ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે 35 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. માત્ર 17 વર્ષની વયે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. 2018માં પાર્થિવ છેલ્લીવાર ટીમ ઇંડિયા માટે મેચ રમ્યો હતો. 17 વર્ષની ઉંમરે એણે 2002માં ઇંગ્લેંડનો ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસ કર્યો હતો. આ વરસે એ આઇપીએલનો ખેલાડી હતો પરંતુ એને એક પણ મેચ રમવાની તક અપાઇ નહોતી.
પાર્થિવે ટ્વીટર પર પોતે નિવૃત્ત થઇ રહ્યો હોવાની બુધવારે જાહેરાત કરી હતી. તેને જણાવ્યું હતું કે હું મારા 18 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીનો સ્વેચ્છાએ અંત આણી રહ્યો છું. બીસીસીઆઇએ મને માત્ર 17 વર્ષની વયે મારા પર વિશ્વાસ રાખીને મને ટેસ્ટ ક્રિકેટમાં રમવાની તક આપી હતી. બીસીસીઆઇના અત્ચાર સુધીમાં સાથ સહકાર બદલ હું બીસીસીઆઇનો આભાર માનું છું.
પાર્થિવે 18 વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને બે T-20 મેચ રમી હતી. તે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો. તેમજ તેની કપ્તાનીમાં જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું હતું.