કૃષિ બિલના વિરોધમાં વિરોધ પક્ષોના સાંસદોએ બુધવારે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢી હતી. સાંસદોએ ખેડૂત બચાવો, મજૂર બચાવો અને લોકતંત્ર બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા. તમામે સાંસદોએ પોતાના હાથમાં પોસ્ટર લીધા હતા. આ પહેલા વિપક્ષે સતત ત્રીજા દિવસે રાજ્યસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
વિવાદાસ્પદ કૃષિ બિલ પર પોતાની વાત રજૂ કરવા માટે વિપક્ષના નેતા આજે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે તેની માહિતી આપી હતી. કોરોના પ્રોટોકોલના કારણે માત્ર પાંચ નેતાઓને મળવાની મંજૂરી આપવામાં આવી છે. વિરોધ પક્ષોએ સોમવારે ચિઠ્ઠી લખીને રાષ્ટ્રપતિ પાસે સમય માંગ્યો હતો.