ભારતની સંસદ (istockphoto.com)

વિરોક્ષ પક્ષોએ રાજ્યસભામાં મોંઘવારી, બેરોજગારી, જાહેર સાહસોના ખાનગીકરણ સહિતના વિવિધ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. રાષ્ટ્રપતિના સંબોધન પરની આભાર દરખાસ્ત અંગેની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના રિપુન બોરાએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર એસટી, એસટી સમુદાય તથા મહિલાને સુરક્ષા આપવામાં અને રોજગારીની તકોનું સર્જન કરવામાં નિષ્ફળ રહી છે. કોરોના મહામારી દરમિયાન દેશના આશરે 84 ટકા લોકોની આવકમાં ઘટાડો થયો છે. આ મુદ્દાનો રાષ્ટ્રપતિના ભાષણમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

તેમણે જણાવ્યું હતું કે બેરોજગારી વધી રહી છે. ભાવ આસમાનને આંબી રહ્યા છે, પરંતુ આ મુદ્દાના ઉકેલ માટે સરકારની યોજના અંગે રાષ્ટ્રપતિના ભાષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અગાઉના વડાપ્રધાનોએ જાહેર સાહસોના સર્જન માટે કામ કર્યું હતું, પરંતુ હાલની સરકાર મોટાપાયે ખાનગીકરણ કરી રહી છે. આઠ વર્ષમાં મોદી સરકારે એકપણ પીએસયુની સ્થાપના કરી નથી. આનાથી વિરુદ્ધ 23 સરકારી કંપનીઓનું ખાનગીકરણ કર્યું છે.

અપક્ષ સાંસદ અજિત કુમાર ભુયાને પણ દેશના 84 ટકા પરિવારોની આવકમાં ઘટાડાના મુદ્દે સરકારની ટીકા કરતા કહ્યું હતું કે મોટાભાગના લોકો યાતના ભોગવી રહ્યાં છે, જ્યારે સરકારની આવક વધી રહી છે. રાષ્ટ્રપતિના સંબોધનમાં ફુગાવાનો ઉલ્લેખ કરાયો નથી. ખેડૂતોની આવક બમણી કરવાના વચનનું શું થયું? હું બે કરોડ નોકરીના વચન અંગે પણ જાણવા માગું છું. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના અબ્દુલ વહાબે પણ રાષ્ટ્રપતિના સંબોધન અંગેની દરખાસ્તનો વિરોધ કર્યો હતો, જોકે જનતા દળ (યુનાઇટેડ)ના રામનાથ ઠાકુરે સરકારની વિવિધ નીતિઓનું સમર્થન કર્યું હતું.