સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં થયેલા હોબાળાને કારણે આમજનતાના રૂા.2,640 કરોડ પાણીમાં ગયા હતા. સંસદ સત્ર ચાલે છે ત્યારે પ્રત્યેક મિનિટ રૂા.2.5 લાખનો ખર્ચ થતો હોવાનો અંદાજ છે.
પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના ડેટામાં જણાવાયા અનુસાર ચોમાસું સત્ર દરમિયાન લોકસભાની ઉત્પાદકતા માત્ર 21 ટકા હતી, જ્યારે રાજ્યસભાની ઉત્પાદકતા 29 ટકા હતી. લોકસભામાં 19 દિવસ સુધી દરરોજ છ કલાકના હિસાબે કામ થવુ જોઈતું હતું. જો કે પેગાસસ જાસૂસી કાંડની તપાસ અને નવા કૃષિ કાયદાને પાછા લેવાની માંગને કારણે થયેલા હોબાળાથી સંસદની કાર્યવાહી હતી. આ કારણે લોકસભામાં કુલ 21 કલાક જ કામ થયું છે. જ્યારે રાજ્યસભામાં 29 કલાક જ કામ થયું છે.
આ ડેટા અનુસાર, ચોમાસું સત્રમાં લોકસભા અને રાજ્યસભાએ 10 દિવસમાં 114 અને 112 કલાક કામ કરવાનુ હતું. જો ચોમાસુ સત્રમાં લોકસભાના 114 અને રાજ્યસભાના 112 કલાકનો સરવાળો કરવામાં આવે તો બન્ને સભામાં કુલ મળીને 226 કલાક કામ થવુ જોઈતું હતું, પરંતુ બન્ને સભામાં માત્ર 50 કલાક કામ થયું છે. વિવિધ અનુમાનો અનુસાર સંસદની પ્રત્યેક મિનિટની કાર્યવાહી પર લગભગ 2.5 લાખ રુપિયા ખર્ચ થાય છે. આ પ્રકારે 226 કલાક એટલે કુલ 13,560 મિનિટની કાર્યવાહી પર લગભગ 33.90 અબજ રુપિયા ખર્ચ થયા. હવે જો 50 કલાક એટલે કે 3000 મિનિટની ગણતરી કરવામાં આવે તો કહી શકાય કે સંસદમાં માત્ર રૂા. 7.50 બિલિયનનો સાર્થક ઉપયોગ થયો હતો. 176 કલાક એટલે કે 10,560 મિનિટ બેકાર ગઈ, જેના પર રૂા.26.40 બિલિયન ખર્ચ થયા છે. આ ગણતરી અનુસાર કહી શકાય કે, સંસદના ચોમાસું સત્રમાં સામાન્ય પ્રજાની કમાણીના રૂા.26.40 બિલિયન વ્યર્થ ગયા છે.