બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી. શીખ ધાર્મિક વિધિ અનુસાર બંનેએ સગાઈ કરી હતી. છેલ્લાં કેટલાંક મહિનાઓની અટકળો પછી બંનેએ નવી દિલ્હીમાં કપૂરથલા હાઉસ ખાતે પરિવાર, મિત્રો અને પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં વીંટીઓની આપ-લે કરી હતી.
પરિણીતી અને રાઘવની સગાઈ માટે પ્રિયંકા ચોપરા ખાસ લંડનથી દિલ્હી આવી હતી. સગાઈ થયા પછી પ્રિયંકાએ રાઘવ અને પરિણીતી સાથે તસવીરો શેર કરતાં બંનેને અભિનંદન પાઠવ્યા હતા. સગાઈ પૂરી થતાં જ પ્રિયંકા લંડન જવા રવાના થઈ હતી. પ્રિયંકા દીકરી માલતી મેરી અને પતિ નિક જોનસ વિના એક દિવસની ઉડતી મુલાકાતે આવી હતી.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં સિંગર મિકા સિંહે રંગ જમાવ્યો હતો. ‘ગલ મીઠ્ઠી મીઠ્ઠી બોલ’ ગીત પર રાઘવ અને પરિણીતીએ ડાન્સ કર્યો હતો. પરિણીતી અને રાઘવની સગાઈમાં બોલિવુડ સેલેબ્સની ગેરહાજરી જોવા મળી હતી, પરંતુ ઘણા રાજકીય નેતાઓ સામેલ થયાં હતાં. દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના નેતા અરવિંદ કેજરીવાલ, ભતપૂર્વ નાણાંપ્રધાન પી ચિદ્મ્બરમ, શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે, તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયન, પંજાબના મુખ્યપ્રધાન ભગવત માન અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ હાજર રહ્યાં હતાં. કેજરીવાલે પરિણીતી અને રાઘવ સાથે તસવીરો શેર કરતાં બંનેને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તસવીરો શેર કરતાં લખ્યું, “જિંદગીની નવી સફરની શરૂઆત માટે તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ઈશ્વર તમને બંનેને હંમેશા ખુશ રાખે. ઈશ્વરે બનાવેલી તમારી આ સુંદર જોડી કાયમ અખંડ રહે.”