Parents sought maintenance from their son who became a monk in ISKCON
(istockphoto.com)

અમદાવાદની ફેમિલી કોર્ટે ઇસ્કોનમાં સાધુ બની ગયેલા પુત્રને તેના માતાપિતાને ભરપોષણ તરીકે દર મહિને દસ હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. જોકે આ આદેશ સામે ગુજરાત હાઇકોર્ટે સ્ટે મૂક્યો હતો.

હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં સાધુ બની ગયેલા ધર્મેશ ગોલે રજૂઆત કરી હતી કે ફેમિલી કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના જ ચુકાદો આપી દીધો છે. જસ્ટિસ સમીર દવેએ આ મામલે ફેમિલી કોર્ટને ત્રણ મહિનામાં યોગ્ય નિર્ણય કરવા માટે જણાવ્યું હતું. .

માસ્ટર્સ ઈન ફાર્મસી સુધી ભણેલા ધર્મેશ ગોલ જોબની ઓફર ઠુકરાવીને જુન 2015માં ઈસ્કોનમાં સાધુ બની ગયા હતા. સંસ્થાની પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા ધર્મેશ ગોલે અક્ષયપાત્ર, ટચ સ્ટોન, અન્નપુર્ણા જેવી ઈસ્કોનની સંસ્થા સાથે કામ કરવાનું શરુ કર્યું હતું. સાધુ બની ગયેલા ધર્મેશે પોતાના પિતા લીલાભાઈ અને માતા ભીખીબેન સાથે પણ કોઈ સંપર્ક નહોતો રાખ્યો.

બીજી તરફ, ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સાધુ બની ગયેલા દીકરાને ઘરે પાછો લાવવા માટે માતાપિતાએ પોલીસની પણ મદદ લીધી હતી. જોકે, ધર્મેશ ગોલ તેના માટે તૈયાર ના થતાં આખરે થાકેલા માતાપિતાએ ફેમિલી કોર્ટમાં કેસ કરીને દીકરા પાસેથી દર મહિને 50,000 રુપિયાના ભરણપોષણની માગ કરી હતી.

કોર્ટમાં વૃદ્ધ દંપતીએ દાવો કર્યો હતો કે તેઓ વિકલાંગ છે, અને ધર્મેશના અભ્યાસ પાછળ તેમમે ખૂબ જ ખર્ચ કર્યો છે. વળી, હાલ તેમની પાસે આવકનો કોઈ સ્રોત નથી. હાઇકોર્ટમાં એડવોકેટ સુધીર નાણાવટીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ધર્મેશ ગોલ હવે સાધુ બની ચૂક્યા છે અને તેઓ કોઈ આવક નથી ધરાવતા.

ધર્મેશ ગોલના વકીલે એવી પણ રજૂઆત કરી હતી કે આવક ધરાવતા વ્યક્તિને ભરણપોષણ ચૂકવવા કે પછી માતાપિતા પોતે ગુજરાન ચલાવી શકે તેમ ના હોય તો જ ભરણપોષણનો આદેશ આપી શકાય. જોકે, આ કેસમાં ધર્મશના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને મહિને 32,000 પેન્શન મેળવે છે, જેની જાણ ફેમિલી કોર્ટને નહોતી કરાઈ. વધુમાં દંપતીને બે પુત્ર છે, અને ભરણપોષણના મામલામાં તેમને બંનેને પાર્ટી બનાવવા પડે, તેના બદલે તેમણે એક જ દીકરા પાસે ભરણપોષણની માગણી કરી છે.

LEAVE A REPLY