દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના જોરદાર વિરોધને પગલે મહારાષ્ટ્ર અને ગુજરાતની પાર, તાપી અને નર્મદા નદીઓને જોડવાની સૂચિત યોજનાને કેન્દ્ર સરકારે આખરે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના આદિવાસી પ્રધાનો અને ધારાસભ્યોએ દિલ્હી જઈને કેન્દ્રના પ્રધાનો સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ આ યોજનાને હાલ પૂરતી આગળ નહીં વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ વર્ષના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી ટાણે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની નારાજગી ભાજપને પરવડે તેમ ન હોવાથી મહારાષ્ટ્ર અને ગુજરાતની પાર-તાપી-નર્મદા નદીઓને જોડતી લિન્ક યોજનાને આખરે અભેરાઈ ચડાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય પાર-તાપી લિંક પ્રોજેક્ટને લઈને ગાંધીનગરમાં કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ ગાંધીનગર પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે નવી દિલ્હીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં આદિવાસી સાંસદો, ધારાસભ્યો અને આગેવાનોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તથા જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના આગેવાનોએ જણાવ્યું કે, મૂળભૂત રીતે કોંગ્રેસ સરકારના સમયમાં સમગ્ર પાર-તાપી લિન્ક પ્રોજેક્ટ માટે તૈયારી કરી હતી. હવે કોંગ્રેસ દ્વારા જ આદિવાસીઓમાં ભ્રમ ફેલાવી ભય ઉભો કરાયો છે. ત્યારે હાલ પ્રોજેક્ટને સ્થગિત કરવો જોઈએ.