(Photo by Arun SANKAR / AFP) (Photo by ARUN SANKAR/AFP via Getty Images)

અમેરિકાની ધરતી પર એક શીખ અલગતાવાદી નેતાની હત્યાનું ષડયંત્ર ઘડવાનો ભારતીય નાગરિક પર આરોપ મૂકવામાં આવ્યો છે. ષડયંત્રમાં ભારત સરકારના અધિકારીની સંડોવણીનો પણ સંકેત મળે છે. અમેરિકાની સરકારે સત્તાવાર રીતે આ શીખ અલગતાવાદી નેતાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તે અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન છે. ચાર્જશીટમાં ભારતીય અધિકારીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તેને CC-1 તરીકે સંબોધવામાં આવ્યું છે. ચાર્જશીટ મુજબ, CC-1 ભારત સરકારની એક એજન્સીનો કર્મચારી છે, જેણે પોતાને અનેક પ્રસંગોએ સીનિયર ફિલ્ડ ઓફિસર તરીકે ગણાવ્યો છે. તે સુરક્ષા મેનેજમેન્ટ અને ઈન્ટેલિજેન્સ માટે જવાબદાર છે.

અમેરિકાના ન્યાય વિભાગે બુધવારે (29) ન્યુયોર્ક સિટીમાં ભારતીય મૂળના યુએસ નાગરિકની હત્યાના નિષ્ફળ કાવતરામાં સંડોવણીના સંબંધમાં 52 વર્ષીય નિખિલ ગુપ્તા સામે મર્ડર ફોર હાયરના આરોપોની જાહેરાત કરી હતી. ભારત સરકારના એક અધિકારીએ ભારતમાંથી આ યોજના પાર પાડવાનો આદેશ આપ્યો હતો. આ અધિકારીએ ગુપ્તા અને અન્ય લોકો સાથે આ યોજના બનાવી હતી.

ભારતમાં રહેતા ગુપ્તાને ચેક રિપબ્લિકના અધિકારીઓએ યુએસ પ્રત્યાર્પણના આદેશ હેઠળ ધરપકડ કરી હતી.

અગાઉ ગયા સપ્તાહે વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે તે અમેરિકન ધરતી પર એક શીખ અલગતાવાદીની હત્યાના કથિત કાવતરાને “અત્યંત ગંભીરતાથી” લઈ રહ્યું છે અને ભારત સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સે તે જ દિવસે અહેવાલ આપ્યો હતો કે યુએસ સત્તાવાળાઓએ યુએસ અને કેનેડિયન નાગરિક ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.

અમેરિકાના ન્યાય વિભાગે  બુધવારે કથિત હત્યાના પ્રયાસનો ટાર્ગેટ કોણ હતો તેની ઓળખ જાહેર કરી ન હતી. પરંતુ જણાવ્યું હતું કે ગુપ્તાને મે 2023માં આ કાવતરામાં સામેલ કરાયો હતો.

સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીનો આક્ષેપ કર્યા પછી અમેરિકા પણ ભારત સામે આવા આક્ષેપ કરી રહ્યું છે.

ટ્રુડોએ બુધવારે કહ્યું હતું કે “યુનાઇટેડ સ્ટેટ્સમાંથી બહાર આવતા સમાચારો વધુ ભારપૂર્વક દર્શાવે છે કે અમે શરૂઆતથી જ જેની વાત કરી રહ્યા છીએ, તે એ છે કે ભારતે આને ગંભીરતાથી લેવાની જરૂર છે.”

આ આરોપ અંગે પ્રતિક્રિયા આપતા ભારતની વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે “ચિંતાનો વિષય” છે અને નવી દિલ્હીએ આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે “યુ.એસ.ની કોર્ટમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેને ભારતીય અધિકારી સાથે કથિત રીતે જોડવામાં આવ્યો છે, આ ચિંતાનો વિષય છે. અમે કહ્યું છે કે આ સરકારી નીતિની પણ વિરુદ્ધ છે.”

 

LEAVE A REPLY