મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની ખાણોમાં ડાયમંડ શોધવા છેલ્લાં 15 વર્ષથી ખાણકામ કરતાં ચાર મજૂરોનું નસીબ આખરે જાગ્યું હતું અને તેમને 8.22 કેરેટનો ડાયમંડ મળ્યો હતો. સ્થાનિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ હીરાના રૂા.40 લાખ સુધી મળી શકે છે.
પન્નાના કલેક્ટર સંજય કુમારે મિશ્રાએ જણાવ્યું હતું કે રતનલાલ પ્રજાપતિ અને તેમના ત્રણ સાથીદારોને જિલ્લાના હિરાપુર તપારિયાન વિસ્તારની ભાડાપટ્ટાની ખાણમાંથી 8.22 કેરેટનો હીરો મળ્યો હતો અને તેમને આ ડાયમંડ સરકારી ઓફિસમાં જમા કર્યો હતો. તેની 21 સપ્ટેમ્બરે બીજા હીરા સાથે હરાજી થશે. હરાજીથી મળનારી રકમ સરકારની રોયલ્ટી અને ટેક્સ કાપીને મજૂરોને આપવામાં આવશે.
રતનલાલના સહયોગી રઘુવીર પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેઓ ડાયમંડ શોધવા છેલ્લાં 15 વર્ષથી વિવિધ ખાણોમાં ખોદકામ કરતાં હતા, પરંતુ સોમવારે નસીબ ચમક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “અમે છેલ્લાં 15 વર્ષમાં વિવિધ વિસ્તારોમાં નાની ખાણો ભાડાપટ્ટે લેતા હતા, પરંતુ કોઇ ડાયમંડ મળ્યો ન હતો. આ વર્ષે અમે હિરાપુર તાપરિયાન ખાતેની ભાડ્ડાપટ્ટા પરની ખાણમાં છ મહિનાથી માઇનિંગ કરતાં હતા અને 8.22 કેરેટનો ડાયમંડ મળતા અચંબામાં પડી પડયા હતા. મજૂરો આ હીરોની હરાજીમાંથી મળનારા નાણાનો ઉપયોગ બાળકોના વધુ સારા જીવન અને શિક્ષણ પાછળ ખર્ચ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 380 કિમી દૂર આવેલા પન્ના જિલ્લામાં કુલ 12 લાખ કેરેટના ડાયમંડનો જથ્થો હોવાનો અંદાજ છે.