પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની વિરુદ્ધમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જોકે ભાજપના બે ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આ ખરડો રાજ્યના મુખ્યપ્રધાન ભગવંત માને ગૃહમાં રજૂ કર્યો હતો.
ખરડા પરની ચર્ચામાં ભાગ લેતા માને જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે અગ્નિપથ સ્કીમનો મુદ્દો ટૂંકસમયમાં ઉઠાવશે. આ યોજના દેશના યુવાનોની વિરુદ્ધમાં છે. વિપક્ષના નેતા પરતાપ સિંહ બાજવાએ અગ્નિપથ સ્કીમ પાછી ખેંચી લેવાની માગણી કરી હતી. અકાલી ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ આ ખરડાને સમર્થન આપ્યું હતું અને તેને પાછી ખેંચી લેવાની માગણી કરી હતી. આ ઠરાવમાં જણાવ્યા અનુસાર ગૃહ અગ્નિપથ સ્કીમ તાકીદે પાછી લેવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની રાજ્યને ભલામણ કરે છે. માને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ સ્કીમની એકપક્ષીય જાહેરાતથી પંજાબ સહિતના રાજ્યોમાં વ્યાપક પ્રતિક્રિયા આવી હતી.