અમેરિકા સ્થિતિ સિલિકોન વેલી બેન્ક (SVB)ના પતનથી વિશ્વભરના ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં ગભરાટ ફેલાયો હતો. 2008માં લીમેન બ્રધર્સના પતન પછીની અમેરિકાની આ સૌથી મોટી બેન્કિંગ કટોકટી છે. આ બેન્ક ખાસ કરીને ટેકનોલોજી સ્ટાર્ડઅપ સાથે બેન્કિંગ વ્યવહાર કરતી હોવાથી વિશ્વભરના નવા સાહસોને અસર થઈ છે. સિલિકોન વેલી અમેરિકાની 16મી સૌથી મોટી બેંક છે. બેંક પાસે લગભગ $210 બિલિયનની સંપત્તિ છે. તે ટેક કંપનીઓ અને સાહસ મૂડી રોકાણ કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડતી અગ્રણી યુએસ બેંક છે.
શુક્રવારે, કેલિફોર્નિયાના નિયમનકારોએ સિલિકોન વેલી બેંક બંધ કરી હતી અને તેને રીસીવરશીપમાં મોકલી હતી. સ્ટાર્ટઅપ્સે વેન્ચર કેપિટલ ફર્મ્સના આગ્રહથી તેમના ભંડોળ ઉઠાવી લેવાનું ચાલુ કર્યું હતું. કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશને બેંકનો કબજો લીધો હતો. તેને રિસીવર તરીકે ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની નિમણુક કરી હતી. FDIC થાપણદારોના નાણા સુરક્ષિત રાખે છે. રિસીવરશિપનો અર્થ એવો થાય છે કે બેન્કની ડિપોઝિટ બીજી મજબૂત બેન્કમાં ટ્રાન્સફર કરાશે અને 250,000ની વીમાની મર્યાદામાં ડિપોઝિટરને ચુકવવામાં આવશે. વીમા કવચ વગરના ડિપોઝિટર્સને બાકીની રકમ માટે રિસિવરશીપ સર્ટિફિકેટ મળશે.
સાન્ટા ક્લેરા સ્થિત SVBની અગ્નિપરીક્ષા તેની માલિક કંપની SVB ફાઇનાન્શિયલ ગ્રૂપેની એક જાહેરાત સાથે ચાલુ થઈ હતી. આ જાહેરાતમાં જણાવાયું હતું કે તે તેના પોર્ટફોલિયોમાંથી $21 બિલિયનની સિક્યોરિટીઝનું વેચાણ કર્યુ છે અને તે ફાઇનાન્સ વધારવા માટે $2.25 બિલિયનનું શેર વેચાણ કરશે આ જાહેરાત પછી બેન્કમાંથી મોટાપાયે ડિપોઝિટનો ઉપાડ ચાલુ થયો હતો. SVBનો સ્ટોક ગુરુવારે 60% તૂટ્યો હતો અને બજારમૂલ્યમાં 80 અબજ ડોલરનું ધોવાણ થયું હતું. તેના બોન્ડમાં રેકોર્ડ ઘટાડો થયો હતો. SVBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગ્રેગ બેકરે વેન્ચર કેપિટલ રોકાણકારો સહિત બેંકના ક્લાયન્ટ્સ સાથે કોન્ફરન્સ કોલ કરી હતી અને તેમને બેંક પર દોડધામ ટાળવા માટે “શાંત રહેવા” વિનંતી કરી હતી.