યુકેના તમામ સુપરમાર્કેટ્સે પોતાના ગ્રાહકોને લોકડાઉનના ભયે પહેલાની જેમ પેનિક બાઇંગ ન કરવા વિનંતી કરી છે. મુખ્ય ગ્રોસરી સ્ટોર્સે સંગ્રહખોરી કરનારા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. જો કે હજી સુધી ગભરાટભરી ખરીદીના કોઈ ચિન્હો જોવા મળ્યા નથી. આસ્ડાએ તો 1,000 જેટલા સિક્યરીટી માર્શલ્સની ભરતી કરી છે. મોરિસન્સે તેના 494 સુપરમાર્ટોના દરવાજા પર માર્શલ્સ મૂક્યા હતા.
સુપરમાર્કેટને ભય છે કે નવા લોકડાઉન પ્રતિબંધોને પગલે લોકોની ખરીદીની ટેવમાં સંભવત: પરિવર્તન આવશે. ટેસ્કો બોસ ડેવ લુઇસે જણાવ્યું હતું કે ‘’વધતા જતા કોવિડ-19 ચેપનો સામનો કરવા માટેના નવા સરકારી પગલાઓના પરિણામે પ્રોડક્ટ સપ્લાય ચેઇનમાં કોઈ વિક્ષેપ પડે તેમ નહતો. જેને પગલે સંગ્રહખોરી “બિનજરૂરી” હતી. બિનજરૂરી ગભરાટભરી ખરીદીના કારણે સપ્લાય ચેઇન પર તણાવ થાય છે જે જરૂરી નથી.”
યુકેની ડિસ્કાઉન્ટ ચેઇન ઑલ્ડીના બોસ ગિલ્સ હર્લીએ ગ્રાહકોને પત્ર લખીને જણાવ્યું હતું કે “તમારે સામાન્ય કરતા વધારે ખરીદી કરવાની જરૂર નથી. હું તમને ખાતરી આપુ છું કે અમારા સ્ટોર્સમાં સંપૂર્ણ સ્ટોક છે. અમે રોગચાળા દરમ્યાન પણ સ્ટોર્સ ચાલુ રાખ્યા હતા અને દરરોજ માલસામાનની ડિલિવરી ચાલુ રાખીએ છીએ.”
ગયા અઠવાડિયે ટોયલેટ રોલ્સના વેચાણમાં 23 ટકાનો વધારો થયો હતો અને ગ્રાહકો ટીન ફૂડ, પાસ્તા અને પેઇન કિલર દવાઓ ખરીદી રહ્યા છે.