સંસદના ચોમાસુ સત્રમાં માત્ર દસ બેઠકમાં 25 બિલને બહાલી આપવામાં આવી હતી. કોરોના વાઇરસને કારણે સંસદના સેશનને તેના નિર્ધારિત સમય કરતા વહેલા બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાનું આ બીજા ક્રમનું સૌથી ટૂકું સત્ર હતું.
ચોમાસુ સત્ર પહેલી ઓક્ટોબર સુધી ચાલવાનું હતું, પરંતુ કોરોનાને કારણે તે આઠ દિવસ પહેલાં જ સમાપ્ત કરાયું. આટલા ઓછા દિવસ હોવા છતાં સંસદે આ સત્રમાં 25 બિલ પસાર કર્યાં, જેમાંથી 15 બિલ તો બે જ દિવસમાં પસાર કરાયા હતા. જોકે, કૃષિ વિધેયકો અને આઠ સાંસદને સસ્પેન્ડ કરવાના વિરોધમાં વિપક્ષે ત્રીજા દિવસે પણ રાજ્યસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
સંસદના સત્ર સમાપનની જાહેરાત કરતાં નાયડુએ કહ્યું હતું કે આ સત્ર ઐતિહાસિક રહ્યું હતું કારણ કે આ દરમિયાન પહેલીવાર સભ્યોને નવી વ્યવસ્થા હેઠળ પાંચ અન્ય સ્થળે બેસાડવામાં આવ્યા. ગૃહે શનિ-રવિવાર થઈને સતત 10 દિવસ 101% કામ કર્યું. વિવિધ મુદ્દાના કારણે ત્રણ કલાકનું નુકસાન થયું, પરંતુ સંસદે 3.3- કલાક વધુ બેસીને કામ કર્યું હતું.