પાકિસ્તાનના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે બે ટેસ્ટ મેચની સીરીઝમાં યજમાનને 2-0થી હરાવી ઐતિહાસિક વ્હાઈટ વોશ કર્યો હતો. રાવલપિંડીમાં મંગળવારે પુરી થયેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રવાસીઓએ 185 રનનો વિજયનો ટાર્ગેટ ફક્ત ચાર વિકેટે હાંસલ કરી લેતાં પાકિસ્તાનની નામોશીભરી શિકસ્ત થઈ હતી. બાંગ્લાદેશનો આ પાકિસ્તાન સામે ઐતિહાસિક ટેસ્ટ અને શ્રેણી વિજય રહ્યો છે.
પાકિસ્તાને પહેલી ઈનિંગમાં 274 રન કર્યા હતા અને બાંગ્લાદેશની પહેલી ઈનિંગમાં શરૂઆત સાવ કંગાળ રહી હતી, 26 રનમાં છ વિકેટ ગુમાવી દીધા પછી લિટન દાસ અને મહેંદી હસન મેરાજે જબરજસ્ત વળતી લડત આપી હતી. લિટન દાસે શાનદાર સદી (138 રન) કરી હતી, તો મેરાજે 78 રનનો ફાળો આપતાં પાકિસ્તાનને પહેલી ઈનિંગમાં મોટી સરસાઈની આશા હતી તે ધોવાઈ ગઈ હતી. બાંગ્લાદેશનો પહેલી ઇનિંગનો સ્કોર 262 સુધી પહોંચતા પાકિસ્તાનને ફક્ત 12 રનની લીડ મળી હતી.
બીજી ઈનિંગમાં પાકિસ્તાની બેટર્સે સાવ નામોશીભર્યો દેખાવ કર્યો હતો અને 172 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. આ રીતે 185 રનના ટાર્ગેટ સામે પાંચમા અને અંતિમ દિવસે બાંગ્લાદેશે ફક્ત ચાર વિકેટના ભોગે તે હાંસલ કરી લીધો હતો. ટીમના આ ભવ્ય દેખાવમાં મહેંદી હસન મેરાજ, લિટન દાસ, હસન મહેમૂદ અને નાહિદ રાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.લિટન દાસને પ્લેયર ઓફ ધી મેચ તથા મેરાજને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.