પાકિસ્તાને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભાગ નહીં લેવાની ધમકી આપી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એશિયા કપ 2023માં ભારતીય ટીમને ભાગ લેવાની મંજૂરી નહીં આપે તો પાકિસ્તાનની ટીમ આ વર્લ્ડકપની મેચો રમવા ભારત નહીં આવે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું.
પાકિસ્તાન તેની વર્લ્ડકપની મેચો બાંગ્લાદેશ કે શ્રીલંકામાં રમવા માગે છે. વર્લ્ડ કપ 2023 આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હજુ સુધી વિગતવાર શેડ્યૂલ જાહેર કરવાનું બાકી છે.
પીસીબીના એક સૂત્રે જણાવ્યું હતું કે “હા અમે વિચારી રહ્યા છીએ કે જો BCCI એશિયા કપ માટે તેમની ટીમ પાકિસ્તાન નહીં મોકલે તો અમે વર્લ્ડ કપની મેચો માટે ભારત નહીં જઈએ. અમે ઈચ્છીએ છીએ કે શ્રીલંકા અથવા બાંગ્લાદેશ અમારી મેચોની યજમાની કરે,
અગાઉ એવા અહેવાલ આપ્યા હતા કે ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય અને કોઇ ત્રીજા દેશોમાં તેની મેચો રમશે. જો પાકિસ્તાન સાથે ફાઇનલમાં ભારત પણ પહોંચે તો ફાઇનલ તટસ્થ દેશોમાં રમાશે. આ વર્ષે સપ્ટેમ્બરના પ્રથમ ભાગમાં 50-ઓવરના ફોર્મેટમાં રમાનારી છ દેશોની એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને એક ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન અન્ય ટીમો છે.
ગયા વર્ષે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષ જય શાહે જણાવ્યું હતું કે ભારત સુરક્ષા કારણોસર એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં અને ટૂર્નામેન્ટ કોઈ તટસ્થ સ્થળે રમાશે.