ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 43 રનથી હરાવીને પ્રવાસી ટીમનો 3-0થી વાઇટ-વૉશ કર્યો હતો. પાકિસ્તાન ટી-20 સિરીઝ 1-4થી હારી ગયા બાદ હવે વન-ડે શ્રેણી 0-3થી હારી ગયું હતું.
વરસાદને કારણે છેલ્લી વન ડે 50 ઓવરની જગ્યાએ 42 ઓવરની કરાઈ હતી. ન્યૂઝીલેન્ડ આઠ વિકેટે 264 રન કર્યા હતાં જેમાં કેપ્ટન માઇકલ બ્રેસવેલના 59 રન હાઇએસ્ટ હતા. બ્રેસવેલે આ 59 રન 40 બૉલમાં છ છગ્ગા અને એક ચોક્કાની મદદથી બનાવ્યા હતા. ઓપનર રાઇસ મેરિયુએ 58 રન અને ડેરિલ મિચલે 43 રનનું યોગદાન આપ્યું હતું.
પાકિસ્તાન વતી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અકીફ જાવેદે સૌથી વધુ ચાર વિકેટ અને નસીમ શાહે બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં 221 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ જતાં ન્યૂઝીલેન્ડનો 43 રનથી વિજય થયો હતો. એકમાત્ર બાબર આઝમ (50 રન, 58 બૉલ, એક સિક્સર, ચાર ફોર) હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો. કૅપ્ટન મોહમ્મદ રિઝવાન (37 રન) સહિત બીજો કોઈ બૅટ્સમૅન 40 રન પણ નહોતો બનાવી શક્યો હતો.
ન્યૂઝીલેન્ડે બુધવારે સેડોન પાર્કમાં રમાયેલી બીજી વન-ડે ક્રિકેટ મેચમાં પ્રવાસી પાકિસ્તાનને 84 રનના વિશાળ માર્જીનથી હરાવીને ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી.
