જીવનસાથી વિશે દરેકની પોતાની કલ્પના હોય છે. જોકે લગ્નની વય થાય એટલે માતા-પિતા કે સગાંસંબંધીની સમજાવટથી કે પછી પરિસ્થિતિ સાથે સમાધાન કરીને મોટા ભાગના લોકો બાંધછોડ કરી લે છે. જોકે પાકિસ્તાનના 27 વર્ષના 444 કિલો વજન ધરાવતા વેઇટલિફ્ટર અત્યાર સુધીમાં લગભગ 300 કરતાં વધુ માગાં ઠુકરાવી ચૂક્યા છે, કારણ માત્ર એટલું કે તેમને ઓછામાં ઓછી 100 કિલો વજન ધરાવતી યુવતી સાથે લગ્ન કરવાં છે.
ખૈબર પખ્તૂન્વા જિલ્લાના મરદાનમાં રહેતા અરબાબ ખીજર હયાતના પરિવારજનોનું માનવું છે કે 100 કિલો કરતાં ઓછા વજનની યુવતી સાથે અરબાબની જોડી સારી નહીં લાગે. વળી અરબાબનું કદ 6.6 ફીટ હોવાથી પરિવારજનો યુવતીની હાઇટ પણ 6.4 ફીટ જેટલી હોય એવી ઇચ્છા રાખે છે.
દુનિયાના સૌથી શક્તિશાળી માણસ બનવાની ચાહતમાં અરબાબે કિશોરાવસ્થાથી જ પોતાનું વજન વધારવાની શરૂઆત કરી હતી. આખું પાકિસ્તાન તેને સ્ટાર માને છે અને પાકિસ્તાનની બહાર પણ ઘણા લોકો તેને ઓળખે છે. થોડા સમય પહેલાં અરબાબે એક ટ્રૅક્ટરને રસ્સીથી બાંધીને ખેંચ્યા બાદ તે લાઇમલાઇટમાં આવ્યો હતો.