અમેરિકાના ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીઓએ દાવો કર્યો છે કે 26 ફેબ્રુઆરી 2019ના રોજ ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટ પર સર્જિકલ હુમલો કર્યા પછી પાકિસ્તાન તેનો બદલો લેવા માટે ભારત પર અણુહુમલો કરવાની તૈયારીમાં હતું. પોમ્પીઓએ આ દાવો તેમના તેમના નવા પુસ્તક ‘નેવર ગિવ એન ઈંચઃ ફાઈટિંગ ફોર ધ અમેરિકા’માં જણાવ્યું છે, આ પુસ્તકનું તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
2019માં જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાની ત્રાસવાદીએ કરેલા આત્મઘાતી બોમ્બ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા પછી ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનની સીમામાં ઘૂસીને વ્યૂહાત્મક હુમલા રૂપે બાલાકોટ સેક્ટરમાં સક્રિય આતંકવાદીઓના અડ્ડાઓ પર બોમ્બ ઝીંકીને તેમના અડ્ડાઓનો નાશ કર્યો હતો. આ હુમલામાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોમ્પીઓએ એમના પુસ્તકમાં લખ્યું છે, ‘ભારતના તે વળતા હુમલા બાદ બંને દેશ વચ્ચે અણુયુદ્ધ થવાનો ડર ઊભો થયો હતો, પરંતુ અમેરિકાએ પરિસ્થિતિને બગડતી અટકાવી હતી. ભારત અને પાકિસ્તાન એ વખતે અણુયુદ્ધની કેટલા નજીક પહોંચી ગયા હતા એની દુનિયાના દેશોને ખબર નથી.
પાકિસ્તાને અણુહુમલો કરવાની શરૂઆત કરી હતી અને એની જાણ થયા પછી ભારત પણ વળતો હુમલો કરવા સજ્જ બનવા વિચારતું હતું. ત્યારે અમે બંને દેશના અધિકારીઓને સમજાવ્યા હતા કે તેઓ એવું કંઈ ન કરે.’
માઈક પોમ્પીઓ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનમાં વિદેશ પ્રધાન હતા અને તેઓ અમેરિકાની ગુપ્તચર તપાસ એજન્સી સીઆઈએના ભૂતપૂર્વ વડા પણ છે.