આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનની વેપાર ખાધ ગયા નાણાકીય વર્ષમાં ૪૮.૬૬ બિલિયન ડોલરની વિક્રમી ઊંચાઇએ પહોંચી છે, જે અગાઉના વર્ષના ૩૦.૯૬ બિલિયન ડોલરની તુલનામાં ૫૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સરકારે તેના ખર્ચને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ સહિતની ચીજોના ભાવમાં જંગી વધારો કરવો પડે છે.
અહેવાલો અનુસાર પાકિસ્તાનની આયાતમાં અંદાજ કરતાં વધુ વૃદ્ધિ નોંધાઈ છે. મે મહિનામાં શેહબાઝ શરીફ સરકાર દ્વારા ૮૦૦થી વધુ બિનજરૂરી લક્ઝરી ચીજો પર પ્રતિબંધ છતાં વેપાર ખાધ જોખમી સ્તરે પહોંચી છે. જૂનમાં ખાધ ૩૨ ટકાથી વધુ વૃદ્ધિ સાથે ૪.૮૪ બિલિયન ડોલરે પહોંચી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૩.૬૬ બિલિયન ડોલર હતી. ખાસ કરીને નિકાસની તુલનામાં આયાત લગભગ બમણી થવાને કારણે વેપાર ખાધમાં વધારો નોંધાયો છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને કોમોડિટીના ભાવમાં વૃદ્ધિને કારણે પાકિસ્તાનની વેપાર ખાધ સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વભરમાં ખાદ્ય ચીજોની સપ્લાય ચેઇન પર ભારે પ્રતિકૂળ અસર થઈ છે. તેને લીધે ખાદ્યાન્ન સહિત વિવિધ કોમોડિટીના ભાવ વધ્યા છે. ઉપરાંત, ક્રૂડ પણ ૧૧૦ ડોલરની ઉપર છે. પાકિસ્તાનની આયાતમાં મોટો ઉછાળો નોંધાયો છે. જ્યારે નિકાસ મહિને ૨.૫-૨.૮ અબજ ડોલરના સ્તરે અટકી ગઈ છે. પાકિસ્તાનનું આયાત બિલ ૪૩.૪૫ ટકા વધીને ૨૦૨૧-’૨૨માં ૮૦.૫૧ બિલિયન ડોલર થયું છે, જે અગાઉના વર્ષે ૫૬.૧૨ અબજ ડોલર હતું. ગુરુવારની મધરાતથી પાકિસ્તાનમાં તમામ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં પ્રતિ લિટર ~૧૪-૧૯નો વધારો નોંધાયો હતો.