અમેરિકાએ પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી જૂથો સામે ઢીલી નીતિ અપનાવવા બદલ સ્થાનિક સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. આતંકવાદી જૂથો ભારતને સતત નિશાન બનાવી રહ્યાં છે. તે મૂળ તો પાકિસ્તાનમાંથી આવે છે. છતાં પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને યુનોએ પણ જેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા છે તેવા મસૂદ અઝહર અને મુંબઈ ઉપરના 2008ના હુમલા પાછળના મુખ્ય સૂત્રધાર સાજિદ મીર સહિત કોઈની પણ સામે પાકિસ્તાનમાં કાર્યવાહી થતી નથી. તેઓ મુક્ત રીતે ફરી રહ્યા છે, તેમ આતંકવાદ ઉપરના અમેરિકાના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કેને તેમના 2020ના આતંકવાદ અંગેના ‘કન્ટ્રી-રીપોર્ટ’માં ગત ગુરુવારે જણાવ્યું હતું કે, ‘આ આતંકવાદી જૂથો પ્રાદેશિક સ્તરે પણ તેમનું સંચાલન પાકિસ્તાનમાંથી જ કરી રહ્યા છે.
આ આતંક જૂથો અફઘાનિસ્તાનનાં અફઘાન તાલિબાન તથા તેની સાથે જોડાયેલા તેવા હક્કાની નેટવર્કને પણ છોડતાં નથી. ઉપરાંત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે-તૈયબા જેવા જૂથો પાકિસ્તાનમાંથી સક્રિય છે. આમ છતાં, પાકિસ્તાન તેમની સામે કોઇ કાર્યવાહી કરતું નથી. ગત ફેબ્રુઆરીમાં અને પછી નવેમ્બરમાં પણ લાહોરની એન્ટી-ટેરરીઝમ કોર્ટે મોખરાના આતંકવાદી હાફીઝ સઈદને વિવિધ અનેક ગુનાઓમાં સાડા પાંચ વર્ષની સજા કરી હતી છતાં તે મુક્ત રીતે ફરી રહ્યો છે તેમ કહેતા બ્લિન્કેને જણાવ્યું હતું કે, પાકિસ્તાન કહે છે કે, તે પગલાં લઈ રહ્યું છે પરંતુ તે અપર્યાપ્ત છે.