પાકિસ્તાનની સંસદમાં પસાર કરાયેલા એક વિવાદાસ્પદ બિલમાં સરકારે અંત સમયે તેમાં પીછેહઠ કરી છે. આ બિલમાં એક કરતાં વધુ વખત દુષ્કર્મ કરનાર લોકોનું રાસાયણિક ખસીકરણ કરવાની જોગવાઇ હતી. પરંતુ હવે સરકારે કટ્ટરવાદીઓના દબાણ હેઠળ આવા દુષ્કર્મીઓને નપુંસક બનાવવાની સજાની જોગવાઇ બિલમાંથી હટાવી છે. આ અંગે ઇમરાન ખાનની સરકારના કાયદા પ્રધાન ફરોગ નસીમે માહિતી આપી હતી. ગત બુધવારે સંસદમાં આ બિલ પાસ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, કટ્ટરવાદીઓનો વિરોધ હોવા છતાં સંસદમાં આવી કડક સજાનું બિલ પાસ કરવામાં આવ્યું હતું.
આ અંગે કાયદા પ્રધાને મીડિયાને જણાવ્યું હતું કે, સંસદમાં બિલ રજૂ થયું ત્યારે અંત સમયે જ અમે સજાની જોગવાઇમાં ફેરફાર કર્યો છે. કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઇડિયોલોજી દ્વારા અમને આ જોગવાઇઓ હટાવવા સૂચન કરવામાં આવ્યું હોવાથી અમે બિલમાં ફેરફાર કર્યો છે. આપણું બંધારણ કહે છે કે, પાકિસ્તાનમાં જે પણ કાયદો બનશે તે કુર્રાન, સુન્નત અને શરિયા વિરોધી નહીં હોય. ઇમરાન ખાન સરકારની કેબિનેટ અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા વટહુકમને મંજૂરી અપાયા પછી લગભગ એક વર્ષ પછી સંસદમાં તે બિલ પાસ થયું હતું. આ બિલમાં એવી જોગવાઇ હતી કે કાયદા અંતર્ગત દોષિતોને દવા આપીને નપુંસક બનાવવામાં આવશે. ઉપરાંત કાયદામાં એ પણ જોગવાઇ હતી કે, ઘટનાની ફરિયાદ નોંધાયાના છ કલાકની અંદર જ પીડિતાની શારીરિક તપાસ થશે.
જમાત-એ-ઇસ્લામીના સાંસદ મુશ્તાક અહમદે બિલનો વિરોધ કરીને તે બિનઇસ્લામિક અને શરિયા વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક દુષ્કર્મીને જાહેરમાં ફાંસી આપવી જોઇએ, પરંતુ શરિયામાં નપુંસક બનાવવાનો કોઇ ઉલ્લેખ નથી.