પાકિસ્તાનમાં વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના કેસમાં નીચલી કોર્ટે જેને હત્યા માટે દોષિત ઠરાવ્યો હતો, તે બ્રિટનમાં જન્મેલા એહમદ ઓમર સઈદ શેખને સિંધ હાઈકોર્ટે હત્યાના ગુનામાં અપરાધ સાબિત નહીં થયાનું માની ફક્ત અપહરણના ગુનામાં દોષિત ઠરેલો ગણી તેની સજા ઘટાડીને સાત વર્ષની કેદની કરી નાખી હતી.
નીચલી કોર્ટે શેખને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. શેખના વકીલ ખ્વાજા નાવિદે જણાવ્યું હતું કે, હત્યા કેસમાં અગાઉ દોષિત ઠરેલા ત્રણ અન્ય અપરાધીઓને તો સિંધ હાઈકોર્ટે નિર્દોષ ઠરાવી દીધા હતા, જેના પગલે તેમને મુક્ત કરાયા હતા.
ડેનિયલ પર્લ જાન્યુઆરી 2002માં ગૂમ થયો હતો અને એક મહિના પછી સત્તાવાળાઓને એક વિડિયો મળતાં એવી જાહેરાત કરાઈ હતી કે, પર્લની હત્યા કરાઈ છે. 2001માં અમેરિકામાં થયેલા ઐતિહાસિક 9/11 ના ત્રાસવાદી હુમલા પછી ડેનિયલ પર્લ પાકિસ્તાન આવ્યો હતો અને તે કરાચીમાં ઈસ્લામિક ત્રાસવાદી પ્રવૃત્તિઓ વિષે સંશોધન કરી રહ્યો હતો.શેખને થોડા સમયમાં જ ત્રાસવાદ વિરોધી કોર્ટે હત્યા માટે દોષિત ઠરાવ્યો હતો, જો કે, આ કેસની તપાસ અને ચુકાદા વિષે લાંબા સમયથી અનેક પ્રશ્નાર્થો થતા રહ્યા છે.
ડેનિયલ પર્લના કેટલાક ભૂતપૂર્વ સાથીઓ સહિતના અમેરિકન પત્રકારોના એક જૂથે 2011માં જણાવ્યું હતું કે, તેઓ માને છે તે મુજબ શેખે પર્લની હત્યા કરી નહોતી. ધી પર્લ પ્રોજેક્ટના આક્ષેપો મુજબ તેની હત્યા ખાલિદ શેખ મોહમ્મદે કરી હતી. તે 9/11 ના ત્રાસવાદી હુમલાઓ માટે જવાબદાર હોવાના આરોપોસર ગ્વાન્ટેનામો બે ખાતે અમેરિકી સેના દ્વારા કેદમાં છે.