આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેની પ્રતિષ્ઠિત રૂઝવેલ્ટ હોટેલ ત્રણ વર્ષ માટે ન્યૂ યોર્ક સિટી સરકારને ભાડે આપી છે. તેનાથી તેને $220 મિલિયન આવક થશે. ઉડ્ડયન પ્રધાન ખ્વાજા સાદ રફીકે રવિવારે જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક વહીવટીતંત્ર સરકાર સંચાલિત પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ કોર્પોરેશનની માલિકીની સદી જૂની હોટલના 1,025 રૂમમાંથી દરેક માટે $210 જેટલું ભાડું ચૂકવશે.
આ હોટેલનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે. તેની ગણતરી ન્યૂયોર્કની મોટી અને ખ્યાતનામ હોટલોમાં થાય છે. જોકે પાકિસ્તાનને દેશ ચલાવવા માટે હોટલની કુરબાની આપવાની ફરજ પડી છે. હોટલ કોરોના સંકટ વખતે નુકસાનના ખાડામાં ઉતરી ગઈ હતી અને બંધ કરવી પડી હતી. એવુ પણ કહેવાતું હતું કે પાકિસ્તાને હોટલ વેચી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે હવે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે કે, આ હોટલ લીઝ પર આપી છે.
હોટલના કુલ 19 માળ છે અને તે 43000 સ્કેવરફુટ વિસ્તારમાં ફેલાયેલી છે. હવે ત્રણ વર્ષ માટે પાકિસ્તાન પાસેથી આ હોટલ જતી રહી છે.પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જોતા ભવિષ્યમાં પણ તે આ હોટલ ચલાવશે કે કેમ એ વાતની શંકા છે.