પાકિસ્તાન હજુપણ કેનેડામાં ખાલિસ્તાન ત્રાસવાદીઓને મદદ કરી રહ્યું છે. ભારતના પંજાબમાંથી ખાલિસ્તાન અલગ કરવાની માંગ સાથે હિંસક ત્રાસવાદી પ્રવૃત્તિ ચાલુ થઈ હતી, એમ કેનેડાની એક ઇન્સ્ટીટ્યૂટના અહેવાલમાં જણાવાયું છે.
આ અહેવાલમાં વરિષ્ઠ પત્રકાર ટેરી મિલેવક્સીએ ‘ખાલિસ્તાન : અ પ્રોજેક્ટ ઓફ પાકિસ્તાન’માં કહ્યું છે કે ખાલિસ્તાન આંદોલન ભારત અને કેનેડા બંનેની સુરક્ષા માટે જોખમી છે. ટેરીએ જણાવ્યું હતું કે આ આંદોલન બાદ પણ સત્ય એ જ છે કે કેનેડામાં રહેતા શીખો ભારત પરત જવા નથી માંગતા. કેનેડાના લોકો માટે પાકિસ્તાનનું આ પગલું રાષ્ટ્રીય ખતરો બની ગયું છે. પંજાબમાં ખાલિસ્તાનના માત્ર અમુક સમર્થકો વધ્યા છે, જેના કારણે પાકિસ્તાને ખાલિસ્તાની સમર્થકોની મદદમાં વધારો કર્યો છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં ખાલિસ્તાનને ખાસ સમર્થન મળતું નથી, પરંતુ પાકિસ્તાન સતત આ આંદોલનને ફરીથી જીવતું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે માટે પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠનોએ ખાલિસ્તાની સમર્થકો સાથે હાથ મિલાવ્યા છે. હવે તેઓ ભારત વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે. ખાલિસ્તાની સમર્થકો નવેમ્બર 2020માં સ્વતંત્ર ખાલિસ્તાન માટેનો જનમત સંગ્રહ કરાવવા માંગે છે. જો કે કેનેડા સરકારે તેની મંજૂરી આપવાની ના પાડી છે.