બાબર આઝમ (53) અને મોહમ્મદ રિઝવાન (57)ની આગેવાની હેઠળ પાકિસ્તાને શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
હવે પાકિસ્તાન રવિવારે ફાઇનલમાં ઇંગ્લેન્ડ અથવા ભારત સામે ટકરાશે. અગાઉ, ડેરીલ મિશેલની અણનમ અડધી સદી સાથે બુધવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 152/4 કર્યા હતા.
પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને સુકાની બાબર આઝમની ઓપનિંગ જોડીએ આ લક્ષ્યાંકને વધારે આસાન બનાવી દીધો હતો. ટુર્નામેન્ટમાં પાકિસ્તાની બેટર્સનું પ્રદર્શન એટલું પ્રભાવશાળી રહ્યું નથી પરંતુ સેમિફાઈનલ જેવી મહત્વની મેચમાં બાબર અને રિઝવાને ફોર્મ પરત મેળવી લીધું હતું. આ જોડીએ ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી અને શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવીને ન્યૂઝીલેન્ડના બોલર્સને કોઈ તક આપી ન હતી.
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને અડધી સદી ફટકારી હતી. આ જોડીએ 12.4 ઓવરમાં 105 રનની મોટી ભાગીદારી નોંધાવી હતી. ટ્રેન્ટ બોલ્ટે બાબર આઝમને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. બાબર આઝમ 42 બોલમાં 53 રન નોંધાવીને આઉટ થયો હતો. બાબર આઝમે પોતાની ઈનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. મોહમ્મદ રિઝવાને 43 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 57 રન નોંધાવ્યા હતા. મોહમ્મદ હેરિસે 26 બોલમાં 30 રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે બે તથા મિચેલ સેન્ટનરે એક વિકેટ ઝડપી હતી.
વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર ફિન એલન ચાર રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમે 49 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, કેન વિલિયમ્સન અને ડેરીલ મિચેલે મહત્વની ઈનિંગ્સ રમી હતી અને ટીમના સ્કોરને મહત્વની ઈનિંગ્સ રમી હતી. ઓપનર કોનવેએ 21 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સ છ રન નોંધાવીને આઉટ થયો હતો.
કેન 42 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સર સાથે 46 રનની ઈનિંગ્સ રમી હતી. મિચેલે આક્રમક બેટિંગ કરી 35 બોલમાં અણનમ 53 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. જિમ્મી નિશમે 12 બોલમાં અણનમ 16 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે શાહિન આફ્રિદી બે વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ નવાઝને એક સફળતા મળી હતી.