રવિવારે જ (06 નવેમ્બર) દિવસની બીજી મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવી પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પહોંચ્યું હતું, તો તે અગાઉની મેચમાં નેધરલેન્ડ્સ સામે પરાજયના પગલે સેમિ ફાઈનલનું મજબૂત દાવેદાર ગણાતું સાઉથ આફ્રિકા પણ વધુ એક વખત તક ચૂકી ગયું હતું.
બાંગ્લાદેશ – પાકિસ્તાનની મેચમાં પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે 8 વિકેટે 127 રન કર્યા હતા, જે પાકિસ્તાન માટે ખાસ પડકારજનક સ્કોર તો નહોતો જ. શાહિન આફ્રિકીએ ચાર ઓવરમાં 22 રન આપી ચાર વિકેટ ખેરવી હતી. બાંગ્લાદેશે પહેલી 10 ઓવરમાં એક વિકેટે 70 રન કર્યા હતા, પણ પછી બાકીની 10 ઓવરમાં ટીમ વધુ સાત વિકેટ ગુમાવી ફક્ત 57 રન ઉમેરી શકી હતી.
જવાબમાં પાકિસ્તાને 18.1 ઓવર્સમાં ફક્ત પાંચ વિકેટે 128 રન કર્યા હતા. તેમના તરફથી રીઝવાને સૌથી વધુ 32, એ પછી હારિસે 31, સુકાની બાબર આઝમે 25 અને શાન મસુદે અણનમ 24 રન કર્યા હતા.
તે અગાઉની, રવિવારની પહેલી જ મેચમાં નેધરલેન્ડ્સ સામે પરાજય સાથે સા. આફ્રિકા નામોશીજનક રીતે સેમિ ફાઈનલની સ્પર્ધામાંથી ફેંકાઈ ગયું હતું. આ પહેલી મેચના પરિણામ સાથે જ ભારતનું સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત બની ગયું હતું.
સાઉથ આફ્રિકાની ટીમ ફરી એકવાર એક મહત્ત્વની ટુર્નામેન્ટમાં ચોકર્સ સાબિત થઈ ગઈ.
પહેલા બેટિંગ કરતા નેધરલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 158 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા માટે આ કોઈ બહુ મોટો પડકાર તો નહોતો જ. છતાં, તેઓ 20 ઓવરમાં 8 વિકેટે 145 રન સુધી જ પહોંચી શક્યા હતા.