આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આખરે હાઇબ્રિડ મોડલ માટે સંમત થયું છે, જેના હેઠળ ભારત તેની મેચો દુબઈમાં રમશે જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો ન હોવાથી ભારત સરકારે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન જવાની પરવાનગી આપી ન હતી તેથી પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી અંગે અનિશ્ચિતતા હતી. આ પછી હાઇબ્રિડ મોડલની અટકળો થતી હતી. ગયા વર્ષે એશિયા કપમાં પણ હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યું હતું.
PCB ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ માટે સંમત ન થવા અંગે મક્કમ હતું. જોકે તેનાથી તેમણે ચેમ્પિયન ટ્રોફીની યજમાની ગુમાવવી પડે તેવી શક્યતા હતી. તેથી તેમણે હાર માની લીધી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમ નક્કી કરવા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ બોર્ડની શુક્રવારની ઈમર્જન્સી બેઠકમાં સર્વાનુમત નહીં સધાતા તેને મુલતવી રાખવામાં આવી હતી. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન રમવા નહીં જવાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને હાઈબ્રિડ મોડેલની માંગ કરી છે જેને પગલે ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને મડાગાંઠ સર્જાઈ હતી. શુક્રવારે ટુર્નામેન્ટનો કાર્યક્રમ નક્કી કરવા માટે આઈસીસીની ટુંકી બેઠક યોજાઈ હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે બીસીસીઆઈના વલણને વળગી રહેતા જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન પ્રવાસ ખેડી શકશે નહીં. બીસીસીઆઈએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ભારતીય ટીમ પર સુરક્ષાનું જોખમ છે અને તે જ કારણથી ભારત પાક.માં રમવા નહીં જઈ શકે.
જો પાકિસ્તાનમાં ટુર્નામેન્ટનું આયોજન ટળે છે તો પીસીબી ગેટ રેવન્યુ ઉપરાંત 60 લાખ યુએસ ડોલરની હોસ્ટિંગ ફી પણ ગુમાવે તેવી શક્યતા હતી.. ચેમ્પિયન્સ ટ્રોફી માટે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વિન્ડો જ ઉપલબ્ધ છે અને ત્યારબાદ તમામ ભાગ લેનાર દેશો દ્વિપક્ષીય સિરીઝમાં વ્યસ્ત રહેશે.