પાકિસ્તાનમાં છૂટીછવાઇ હિંસા અને મોબાઇલ ઇન્ટરનેટ પર પાબંધી વચ્ચે ગુરુવારે યોજાયેલી ચૂંટણી પછી સાંજે મતગણતરી ચાલુ થઈ હતી. ફરજિયાત એક કલાકના નિયંત્રણો હટી ગયા પછી દેશભરમાંથી મતદાન મથકોથી પરિણામો આવવા લાગ્યા હતું. શુક્રવારે મતગણતરીના ટ્રેન્ડ મુજબ મુજબ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનું સમર્થન ધરાવતા અપક્ષ ઉમેદવારો મુખ્ય દાવેદાર તરીકે ઊભર્યા છે. ચૂંટણીપંચની વેબસાઈટ અનુસાર કુલ 122 બેઠકો બેઠકો પર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી અપક્ષ 49, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) 39, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) 30 અને અન્ય બેઠકો નાના પક્ષોને મળી છે.
ગુરુવારે નેશનલ એસેમ્બલીની 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને નવી સરકાર બનાવવા માટે 133 સભ્યોની જરૂર પડે છે.
ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબને કારણે ગોટાળાના પણ આક્ષેપો થયો હતો. પાકિસ્તાનમાં આર્મી સર્વેસર્વા છે અને તે નવાઝ શરીફને વડાપ્રધાન બનાવવા માગતી હોવાનું માનવામાં આવે છે. જોકે આનાથી વિપરિત ઇમરાનનું સમર્થન ધરાવતા અપક્ષો સૌથી આગળ રહ્યાં છે.
ચોથી ટર્મ માટે વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર ગણાતા 74 વર્ષીય નવાઝ શરીફ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટી ચૂંટણી જીતશે.
જેલમાં બંધ ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. PTIના ચૂંટણી પ્રતિક બેટને છીનવી લેવામાં આવ્યું છે. આ ચૂંટણી જંગમાં બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પણ સામેલ છે. બિલાવલને પાર્ટીએ વડાપ્રધાનનો ચહેરો બનાવ્યો હતો.
ગુરુવાર, 8 ફેબ્રુઆરીએ મતદાન સવારે 8.00 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 5.00 વાગ્યા સુધી કોઈપણ વિરામ વિના ચાલુ રહ્યું હતું. 12 કરોડથી વધુ મતદારો મતદાન કરી શકે તે માટે દેશભરમાં જાહેર રજા જાહેર કરાઈ હતી. પાકિસ્તાનના અશાંત ખૈબર-પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં અજાણ્યા બંદૂકધારીઓએ કરેલા બે અલગ-અલગ હુમલામાં ઓછામાં ઓછા છ સુરક્ષાકર્મીઓના મોત થયા હતા અને અને અન્ય સાત ઘાયલ થયા હતાં.
નેશનલ એસેમ્બલીની કુલ 336માંથી કુલ 265 બેઠકો મતદાન થયું હતું. બજૌરમાં ફાયરિંગમાં એક ઉમેદવારના મોત બાદ એક સીટ પર મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. અન્ય 60 બેઠકો મહિલાઓ માટે અને 10 લઘુમતીઓ માટે અનામત છે અને તે પ્રમાણસર પ્રતિનિધિત્વના આધારે વિજેતા પક્ષોને ફાળવવામાં આવે છે.
ચૂંટણીમાં નવાઝ શરીફને આર્મીનું સમર્થન હોવાથી તેઓ ચોથી વખત વડાપ્રધાન બને તેવી પૂરી સંભાવના છે.
ચૂંટણીની પૂર્વસંધ્યાએ બે વિસ્ફોટોમાં 30ના મોતને પગલે દેશભરમાં લગભગ 6.50 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરીને સુરક્ષામાં વધારો કરાયો હતો.
નેશનલ એસેમ્બલી (NA) સીટો માટે કુલ 5,121 ઉમેદવારો રેસમાં હતા, તેમાં 4,807 પુરુષો, 312 મહિલા અને બે ટ્રાન્જેન્ડર હતા. ચાર પ્રાંતીય એસેમ્બલી માટે, 12,695 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં 12,123 પુરૂષ, 570 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડર હતા. દેશભરમાં 90,7675 મતદાન મથકો ઊભા કરાયા હતા, જેમાં 25,320 પુરુષ મતદારો માટે, 23952 મહિલાઓ માટે અને 41,403 મિશ્ર મતદાન મથકો હતા.