આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની કંગાળ સ્થિતિનો ચિતાર રજૂ કરતા વિશ્વ બેંકે તેના અર્ધવાર્ષિક અહેવાલમાં ચેતવણી આપી છે કે દેશના વધુ આશરે 10 મિલિયન લોકો ગરીબીની ગર્તામાં ધકેલાવાનું જોખમ છે. ચાલુ નાણાકીય વર્ષમાં 1.8 ટકાના મામૂલી આર્થિક વૃદ્ધિદર અને 26 ટકા જેટલા ઊંચા ફુગાવા વચ્ચે વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક નાણાસંસ્થાએ આ આશંકા વ્યક્ત કરી છે. હાલમાં પાકિસ્તાનમાં 98 મિલિયન લોકો  ગરીબી સાથે ઝઝૂમી રહ્યા છે

વર્લ્ડ બેંકના પાકિસ્તાન ડેવલપમેન્ટ આઉટલુક રિપોર્ટમાં સંકેત અપાયો છે કે પાકિસ્તાન લગભગ તમામ મોટા આર્થિક લક્ષ્યોને ચૂકી જવાની અણી પર છે. દેશ તેના પ્રાથમિક બજેટના લક્ષ્યાંક ચુકી જવાની અને સતત ત્રીજા વર્ષે ખાધમાં રહેવાની ધારણા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ સહાય પેકેજ વખતે તેનું બજેટ સરપ્લસ રાખવાની શરત કરેલી છે.

રીપોર્ટના મુખ્ય લેખક સૈયદ મુર્તઝા મુઝફ્ફરીએ જણાવ્યું હતું કે પ્રારંભિક આર્થિક રિકવરી આવી રહી હોવા છતાં ગરીબી નાબૂદીના પ્રયાસો અપૂરતા છે.

વિશ્વ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લગભગ 9.8 કરોડ પાકિસ્તાનીઓ પહેલાથી જ ગરીબી સાથે ઝઝૂમી રહ્યા છે ત્યારે આર્થિક વૃદ્ધિર 1.8 ટકા જેટલો મામૂલી રહેવાનો અંદાજ છે, જ્યારે ગરીબીનો દર આશરે 40 ટકાએ જળવાઈ રહેવાની શક્યતા છે. ગરીબીથી રેખામાંથી માત્ર થોડા ઉપર છે તેવા લોકો ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કૃષિ ઉત્પાદનમાં મોટા વધારાથી ગરીબો અને નબળા લોકોને ફાયદો થવાની સંભાવના છે, પરંતુ આ લાભો સતત ઊંચાં ફુગાવા અને અન્ય ક્ષેત્રોમાં મર્યાદિત વેતન વૃદ્ધિથી સરભર થયા છે. બાંધકામ, વેપાર અને પરિવહન જેવા ગરીબીની રોજીરોટી ધરાવતા ક્ષેત્રોમાં વેતન વૃદ્ધિ મર્યાદિત છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રોજીંદા મજૂરોના વેતનમાં માત્ર પાંચ ટકાનો જ વધારો થયો હતો. આની સામે ફુગાવાનો દર 30 ટકા જેટલો ઊંચો છે.

વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે જીવન-નિર્વાહ ખર્ચની કટોકટી અને વધતા જતાં પરિવહન ખર્ચના કારણે શાળાએ ન જતાં બાળકોમાં વધારો થઈ શકે છે અને ખાસ કરીને ગરીબોમાં તબીબી સારવારમાં વિલંબ થઈ શકે છે. આની સાથે સાથે દેશના વિસ્તારોમાં ખાદ્ય સુરક્ષા ચિંતાનો વિષય છે. ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલૂચિસ્તાનના 43 ગ્રામીણ જિલ્લાઓમાં આ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તીવ્ર ખાદ્ય અસુરક્ષાનો વ્યાપ પણ 29 ટકાથી વધીને 32 ટકા થવાનો અંદાજ છે. આનો અર્થ એવો થાય છે કે આ વિસ્તારમાં 32 ટકા લોકો પાસે ખાવા માટે પૂરતું અનાજ પણ નહીં હોય. નાણાકીય ક્ષેત્રના જોખમો, નીતિની અનિશ્ચિતતા અને વિદેશી અવરોધને કારણે પાકિસ્તાનના ભાવિ સામે મોટા જોખમ ઊભા કરે છે. ઘરેલું ઉર્જાના ઊંચા ભાવને કારણે FY24 માં ફુગાવો 26 ટકાના ઊંચા સ્તરે રહેવાની ધારણા છે.

 

LEAVE A REPLY