પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના પરિવારના સભ્યો અને સંબંધીઓએ ₹12.7 બિલિયનની સંપત્તિ એકઠી કરી હોવાનો પાકિસ્તાની વેબસાઇટે ધડાકો કર્યો છે. આ સનસનીખેજ રીપોર્ટને પગલે પાકિસ્તાનની સરકારે બાજવાની કથિત નાણાકીય ગેરરીતિની જગ્યાએ તેમનો ટેક્સ રેકોર્ડ ગેરકાયદેસર રીતે કેવી રીતે લીક થયો તેની તપાસ ચાલુ કરી છે. સરકારે આ ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટની 18 કલાક માટે બ્લોક કરી દીધી હતી.
પાકિસ્તાન સ્થિત ફેક્ટફોકસ વેબસાઇટે 2013થી 2021 દરમિયાન જનરલ બાજવા અને તેમના પરિવારની કથિત સંપત્તિ અંગેનું એક સ્ટેટમેન્ટ જારી કર્યું છે. જનરલ બાજવાના પરિવારના કથિત ટેક્સ રેકોર્ડ અંગેના અહેવાલ અનુસાર, પાકિસ્તાનની અંદર અને વિદેશ એમ બંને જગ્યાએ સેના પ્રમુખની જાણીતી સંપત્તિ અને બિઝનેસનું વર્તમાન બજાર મૂલ્ય આશરે ₹12.7 બિલિયન છે.
આ મહિનાના અંતમાં જનરલ બાજવાની નિવૃત્તિના થોડા દિવસો પહેલા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જનરલ બાજવાની પત્ની આયેશા અમજદની સંપત્તિ 2016માં શૂન્ય હતી, જે છ વર્ષમાં ₹2.2 બિલિયન (જાહેર અને જાણીતી) થઈ ગઈ હતી. આ રકમમાં આર્મીએ તેમના પતિને આપેલા રહેણાંક પ્લોટ, કોમર્શિયલ પ્લોટ અને મકાનોનો સમાવેશ થતો ન હતો.
અહેવાલમાં પાકિસ્તાનના અગ્રીમ પત્રકાર અહમદ નુરાનીએ બાજવાના પરિવારજનો અને નિકટવર્તી સ્વજનો દ્વારા દેશના વિવિધ શહેરો અને વિદેશમાં પણ અબજો ડોલરની મિલ્કતો ખરીદી તેની લે-વેચમાંથી પણ અબજો કમાઈને, મોંઘી મિલ્કતો તથા ‘ફાર્મ હાઉસીઝ’ પણ પ્રાપ્ત કર્યા છે.
આ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ આંકડાકીય માહિતીના આધારે તૈયાર કરાયો છે, તેમાં બાજવાના પત્ની આયેશા અમજદ અને પુત્રવધૂ મનહર સબીર સહિત અન્ય કુટુંબીજનોએ પણ પ્રાપ્ત કરેલી અબજોની મૂડી અને મિલ્કત વિષે માહિતી આપવામાં આવી છે. રીપોર્ટ જણાવવામાં આવ્યું છે કે, છ વર્ષમાં જ બંનેના પરિવારજનો અબજોપતિ બની ગયા છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ શરૂ કરી દીધો છે. વિદેશોમાં પણ ઘણી બધી મિલ્કતો ખરીદી છે તેટલું જ નહિ પરંતુ રોકડ મૂડી વિદેશોમાં ફેરવી નાખી છે. તેઓ કોમર્શિયલ પ્લાઝાઓના માલિક બની ગયા છે. કોમર્શિયલ પ્લોટસ પણ ખરીદ્યા છે. ઇસ્લામાબાદ અને કરાચીને સ્પર્શીને વિશાળ ફાર્મ હાઉસના માલિક બની રહ્યા છે. લાહોરમાં કેટલીય સ્થાવર મિલ્કતો છે.