પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે સ્વીકાર્યું હતું કે દેશ નાદાર થઈ ચુક્યો છે અને દેશની સમસ્યાઓનો ઉકેલ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે નહીં, પરંતુ દેશની અંદર જ રહેલો છે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે જો મોંઘી સરકારી જમીન પર બનેલી માત્ર બે ગોલ્ફ ક્લબ વેચવામાં આવે તો પાકિસ્તાનનું ચોથા ભાગનું દેવું ચૂકવી શકાય છે.
દરમિયાન, વિપક્ષે પણ દેશને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા માટે સરકારને કેટલાક બોલ્ડ નિર્ણયો લેવા તથા તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે કરકસરનાં પગલાં અમલમાં મૂકવાની દરખાસ્ત કરી છે. વિપક્ષના નેતા શહજાદ વસીમે જણાવ્યું હતું કે શાસકોએ રૂ.1,100 અબજના ભ્રષ્ટાચારના કેસ બંધ કરી દીધા છે અને પાકિસ્તાનના લોકો તેનો ભોગ બન્યા છે.
તેમણે હાલની આર્થિક કટોકટી માટે આર્મી, અમલદારો અને રાજકારણીઓને જવાબદાર ઠેરવ્યા હતા. આસિફે ખુલાસો કર્યો કે તે 33 વર્ષથી સંસદમાં છે અને તેમાંથી 32 વર્ષોથી દેશની રાજનીતિને બદનામ થતી જોઈ છે. PML-Nના નેતાએ કહ્યું હતું કે ગોલ્ફ ક્લબ સરકારી જમીન પર બનાવવામાં આવી હતી અને તેમાંથી બે વેચવાથી પાકિસ્તાનનું એક ચોથા ભાગનું દેવું ઘટશે.
આતંકવાદ સામેની લડાઈમાં સૈનિકો ગુમાવવા પડ્યા હોવા અંગે દુઃખ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ આ મુદ્દાનો સામનો કરવા માટે અથાક મહેનત કરી રહી છે. બે વર્ષ પહેલા આતંકવાદીઓને દેશમાં સ્થાયી થવા દેવામાં આવ્યા હતા. વડાપ્રધાન શાહબાઝ શરીફ સરકારી ખર્ચમાં ઘટાડો કરીને રાજકોષીય ખાધને અંકુશમાં લેવા માટે તમામ સરકારી સંસ્થાઓમાં કઠોરતાના મોટા પગલાંની જાહેરાત કરશે.