
ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના આઠમા ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પાકિસ્તાનની ટીમને નેટ પ્રેક્ટિસ કરવાની મંજૂરી નહીં મળે.
પાકિસ્તાન ટીમની ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરિઝનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થવાનો છે. આ સંજોગોમાં પાકિસ્તાન ટીમને નેટ પ્રેક્ટિસ વગર સીધુ મેચ રમવા માટે મેદાનમાં ઉતરવુ પડી શકે છે.
આ પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને સરકાર પાક ટીમને કોરોના પ્રોટોકોલનો ભંગ કરવા બદલ ક્રિકેટ પ્રવાસ રદ કરવાની પણ ચીમકી આપી ચુક્યુ છે. પાકિસ્તાનના સરફરાજ, મોહમ્મદ અબ્બાસ, આબિદ અલી, નસીમ શાહ, સોહેલ નજીર અને દાનિશ અજિતના કોરોના રિપોર્ટ અગાઉ પોઝિટિવ આવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ સરકારે ભારે મહેનતથી ન્યૂઝીલેન્ડમાં કોરોના પર કાબૂ મેળવ્યો છે. હવે પાક ટીમના કારણે ફરી કોરોના ના ફેલાય તે માટે પાકિસ્તાન ટીમને પ્રેક્ટિસની પરવાનગી આપવામાં આવી નથી. 53 સભ્યોની ટીમે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ 14 દિવસ આઈસોલેશનમાં રહેવાનુ હતુ. જોકે પહેલા દિવસથી જ પાકિસ્તાન ટીમના ખેલાડીઓએ પ્રોટોકોલ તોડવાનુ શરુ કરી દીધુ હતુ. જેના પગલે હવે નેટ પ્રેક્ટિસ માટે પણ પાક ટીમને મંજૂરી આપવામાં આવી નથી.
ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયના ડિરેક્ટર ડો. બ્લૂમફિલ્ડે જણાવ્યું હતું કે પાકિસ્તાન ટીમમાં કોરોના સંક્રમણ હજી પણ ફેલાય તેવી શક્યતા છે. કોરોનાના જંગમાં લોકોનુ સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. એ પછી કોઈ વ્યક્તિની વાત હોય કે ટીમની વાત હોય.
