ઘણા દિવસોના વિલંબ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફના પ્રધાનમંડળનો મંગળવારે શપથગ્રહણ સમારંભ યોજાયો હતો. જોકે આમ પણ વિવાદ થયો હતો. પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ શપથગ્રહણ સમારંભમાં હાજરી આપવાનો ફરી ઇન્કાર કર્યો હતો, તેથી સેનેટના અધ્યક્ષ સાદીક સંજરાનીએ 34 પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા. શપણગ્રહણ સમારંભ સોમવારે યોજાવાનો હતો, પરંતુ પ્રેસિડન્ટ અલ્વીએ પ્રધાનોને શપથ આપવાનો ઇનકાર કર્યો હતો, તેનાથી આખો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. કેબિનેટમાં બ્યૂટી વીથ બ્રેઇન ગણાતી હિના રબ્બાની ખારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રધાનોની પસંદગી માટે શરીફના ગઠબંધન પક્ષો સાથે પણ ભારે વિખવાદ થયો હતો. શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)માંથી 13 પ્રધાનો બનાવવામાં આવ્યા છે, જ્યારે બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)માંથી નવ પ્રધાનો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલની પાર્ટીમાંથી ચાર અને મુત્તાહિદ ક્વોમી મુવમેન્ટ પાકિસ્તાન (એમક્યુએમ-પી)માંથી બે પ્રધાનો બનાવવામાં આવ્યા છે. જોકે પીપીપીના વડા બિલાવલ ભુટ્ટોએ શપથ લીધા નથી. બિલાવલને વિદેશ પ્રધાન બનાવવામાં આવશે તેવી વ્યાપક અટકળો થઈ હતી. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે બિલાવલ કેબિનેટના વિસ્તરણ થાય ત્યારે શપથ લેશે. પ્રધાનમંડળમાં પાંચ મહિલા પ્રધાનો છે, જેમાં મરિયમ ઓરંગઝેબ, શેરી રહેમાન, શાઝિયા મેરી, ઐશા પાશા અને હિના રબ્બાની ખારનો સમાવેશ થાય છે.