પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મસ્જિદમાંથી પીવાનું પાણી ભરવાના મુદ્દે ગરીબ હિન્દુ પરિવારને બંધક બનાવીને તેમની સાથે મારમીટ કરવામાં આવી હતી, એમ સોમવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ખેતરમાં કામ કરતાં હિંદુ પરિવારના લોકો નજીકની મસ્જિદમાંથી પીવાનું પાણી લેવા માટે ગયા હતા. અનેક લોકોએ તે મુદ્દે વિરોધ નોંધાવીને તેમના પર મસ્જિદની પવિત્રતા ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિત આલમ રામ ભીલ પંજાબના રહીમ યાર ખાન શહેરમાં રહે છે. તેના કહેવા પ્રમાણે તેના પરિવારના લોકો પાસેની મસ્જિદમાં પાણી ભરવા માટે ગયા હતા તે સમયે કેટલાક લોકોએ આવીને તેના સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.
પીડિતના કહેવા પ્રમાણે તેનો પરિવાર ઘરે આવ્યો એટલે તેમને પણ બંધક બનાવી લેવામાં આવ્યા અને મસ્જિદની પવિત્રતા ભંગ કરવાનો આરોપ લગાવીને મારપીટ કરવામાં આવી હતી. આરોપ પ્રમાણે હુમલાખોરો વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી સાથે સંકળાયેલા હતા માટે પોલીસે પીડિતની ફરિયાદ મુદ્દે કોઈ જ કેસ નથી નોંધ્યો.
ફરિયાદ ન નોંધાવાના કારણે નારાજ હિંદુ પરિવાર પાકિસ્તાનના પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેઠો હતો. બાદમાં ડિસ્ટ્રિક્ટ પીસ કમિટીના સદસ્ય પીટર જોન ભીલની મદદથી તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ અધિકારી અસદ સરફરાજના કહેવા પ્રમાણે તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં હિંદુઓ સૌથી મોટા અલ્પસંખ્યક સમુદાયમાંથી એક છે. પાકિસ્તાનમાં આશરે 75 લાખ હિંદુઓ રહે છે. મોટા ભાગના હિંદુ પરિવારો સિંધ પ્રાંતમાં રહે છે જ્યાં હંમેશા તેમના સાથે મારપીટ અને ઉત્પીડનની ઘટનાઓ બનતી રહે છે.