વેસ્ટ ઈન્ડિઝે રવિવારે (15 ઓગસ્ટ) પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાન સામે રોમાંચક મુકાબલામાં એક વિકેટે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને તેની પહેલી ઈનિંગમાં 217 રન કર્યા હતા, તો બીજી ઈનિંગમાં 203 રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલી ઈનિંગમાં 253 રન કરી 36 રનની સરસાઈ મેળવી હતી, જેના પગલે તેણે વિજય માટે બીજી ઈનિંગમાં ફક્ત 168 રન જ કરવાના હતા, છતાં તેણે આ ટાર્ગેટ હાંસલ કરતા સુધીમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી અને છેલ્લી વિકેટની ભાગીદારીમાં 17 રન કરવાના હતા, જે કેમર રોચ અને જેડેન સીલ્સે 4.1 ઓવર્સમાં કર્યા હતા.
સીલ્સે પહેલી ઈનિંગમાં ત્રણ અને બીજી ઈનિંગમાં પાંચ, એમ કુલ આઠ વિકેટ લીધી હતી, જે બદલ તેને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. પાકિસ્તાન તરફથી પહેલી ઈનિંગમાં ફવાદ આલમે 56, ફહીમ અશરફે 44 તથા સુકાની બાબર આઝમે 30 રન કર્યા હતા, તો બીજી ઈનિંગમાં બાબર આઝમે 55, ઓપનર આબિદ અલીએ 34 અને મોહમદ રિઝવાને 30 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 3 તથા કેમર રોચે 2 લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી પહેલી ઈનિંગમાં સુકાની ઓપનર ક્રેઈગ બ્રેથવેઈટે 97 અને જેસન હોલ્ડરે 58 તેમજ બીજી ઈનિંગમાં જર્મેઈન બ્લેકવુડે 55 તથા કેમર રોચે અણનમ 30 રન કર્યા હતા.