પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે કોરોના વાઇરસની વેક્સીન લેવાનો ઇનકાર કરતાં લોકોના મોબાઇલ સીમ કાર્ડ બ્લોક કરવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો. પંજાબ સરકાર કોરોનાને અંકુશમાં લેવા માટે આ ઉપરાંત બીજા કેટલાંક પગલાં પણ લીધા હતા.
મીડિયા અહેવાલ પ્રમાણે પંજાબના આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સરકારનું કહેવું છે કે, જ્યાં મોટા પાયે વેક્સીન મુકાઈ છે ત્યાં કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે નિર્ધારિત લક્ષ્ય કરતા વેક્સીન લગાવનારા લોકોની કુલ સંખ્યા ઓછી છે. હવે લોકો વેક્સીનુ મુકાવે તે માટે આકરા નિયમો લાગુ કરવાનુ નક્કી થયુ છે. પંજાબના આરોગ્યપ્રધાન ડો.યાસમીન રશીદનુ કહેવુ છે કે, અમે એવા લોકોનુ લિસ્ટ તૈયાર કરી રહ્યા છે જેઓ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી.