પાકિસ્તાન સરકારે વિરોધ પક્ષના નેતા શાહબાઝ શરીફ અને એના પરિવાર સામે સાત બિલિયન રૂપિયાનો નાણાંકીય ગેરરીતિ (મની લોન્ડરિંગ) કેસ દાખલ કર્યો છે. શાહબાઝ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નાના ભાઇ છે. ૨૦૦૮થી ૨૦૧૮ની વચ્ચે તેઓ પંજાબના મુખ્ય પ્રધાન હતા.
વડા પ્રધાનના ઇન્ટિરિયર અને એકાઉન્ટેબિલિટીના સલાહકાર શહઝાદ અકબરે બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ અને તેના પુત્ર હમઝા અને સલમાન બનાવટી ખાતા થકી મની મની લૉન્ડરિંગમાં સંકળાયેલા હતા, પરંતુ શાહબાઝે હંમેશા એમ જ બતાવ્યું છે કે તેમને તેમના ધંધા સાથે કોઇ લેવાદેવા નથી.
ફાયનાન્શિયલ મોનિટરિંગ યુનિટે શાહબાઝ પરિવારના ૧૭૭ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ શોધી કાઢ્યા હતા ત્યાર બાદ એનએબીએ તેમની તપાસ શરૂ કરી હતી. શાહબાઝ અને તેના પુત્રની માલિકીની કંપનીના કર્મચારીઓએ કરોડો રૂપિયાનું મની લૉન્ડરિંગ કર્યું હતું. પાર્ટી ટિકિટ ફાળવવા બદલામાં શાહબાઝ અને હમઝાએ કીકબૅક્સ અને કમિશન લીધા હોવાનો આરોપ છે.