શ્રીલંકાની જેમ મોંઘવારી સામે લડી રહેલ ભારતના વધુ એક પાડોશી દેશ પાકિસ્તાનમાં આર્થિક ભાવિ કટોકટી ટાળવા માટે વ્યાજદરમાં એકાએક 2.50%નો જંગી વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં 1996 પછીનો આ સૌથી મોટો રેટ હાઇક છે. પાકિસ્તાનમાં હાલમાં ભારે રાજકીય અસ્થિરતા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા રેટહાઇક કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)એ 7 એપ્રિલે બેન્ચમાર્ક વ્યાજદરોમાં 250 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી. ઈમર્જન્સી રેટ હાઇક સાથે વ્યાજદર વધારીને 12.25 ટકા કરવામાં આવ્યા છે. આ નિર્ણય SBP દ્વારા એક દિવસ અગાઉ બોલાવવામાં આવેલી મોનિટરી પોલિસી કમિટીની તાકીદની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લી MPC મીટિંગ બાદ ફુગાવો વધુ બેકાબૂ થયો છે અને આંતરિક અને બાહ્ય સ્થિરતા માટે જોખમો વધ્યા છે. વધતી સ્થાનિક રાજકીય અનિશ્ચિતતાને કારણે પાકિસ્તાની રૂપિયામાં 5 ટકાનું ધાવાણ થયું છે.
પાકિસ્તાનમાં વ્યાજદર અગાઉ 9.75 ટકા હતો જે હવે વધારીને 12.25 ટકા કરવામાં આવ્યો છે તેમ SBPએ જણાવ્યું હતું. આ નિર્ણયને પગલે સરેરાશ ફુગાવાના અનુમાનને નાણાંકીય વર્ષ 2022માં 11 ટકાથી સામાન્ય ઉપર લાવવામાં આવ્યું છે. ચાલુ વર્ષે નાણાંકીય ખાધ પણ GDPના 4 ટકાની આસપાસ રહેવાની ધારણા છે.