પાકિસ્તાનમાં રવિવારે નાટકીય રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. વડાપ્રધાન ઈમરાન ખાને છેલ્લા દડે ફેંકેલા યોર્કરથી પાકિસ્તાનની બધી વિપક્ષી પાર્ટીઓ ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. સંસદમાં ઈમરાન ખાનની સરકાર સામે રજૂ થયેલી અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન થવાનું હતું, પરંતુ કાર્યવાહી શરૂ થયાના પાંચ મિનિટમાં ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ બંધારણની કલમ 5નો ઉલ્લેખ કરીને અવિશ્વાસ દરખાસ્ત જ ફગાવી દીધી હતી.. પાકિસ્તાનની સંસદમાં પોતાની સામેની અવિશ્વાસ દરખાસ્ત ફગાવી દેવાયા પછી વડાપ્રધાન ઈમરાન ખાને સંસદે ભંગ કરવાની માંગ કરી હતી, જેને પ્રેસિડન્ટે સ્વીકારી લીધી છે. પાકિસ્તાનમાં હવે 90 દિવસ પછી ચૂંટણી થશે. ઈમરાન ખાનના આ દાવમાં વિપક્ષ બરાબરનો ફસાઈ ગયો છે.
રાષ્ટ્રને કરેલા ટૂંકા સંબોધનમાં ઇમરાન ખાને લોકોને ચૂંટણી માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું. જોકે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સુઓ મોટો આ નાટકીય ઘટનાક્રમની નોંધ લીધી હતી અને લાર્જર બેન્ચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. વિરોધ પક્ષોએ પણ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા અને જણાવ્યું હતું કે સત્તાધારી પાર્ટીએ બંધારણનું ઉલ્લંઘટન કર્યું છે.
સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીની કાર્યવાહી બપોરે 12 કલાકે શરૂ થવાની હતી, પરંતુ તેમાં થોડું મોડું થઈ ગયું. કાર્યવાહી શરૂ થઈ તો કાયદા પ્રધાન ફવાદ ચૌધરીએ મોરચો સંભાળ્યો હતો તેમણે પોતાના ચાર મિનિટના ભાષણમાં દાવો કર્યો કે ઈમરાન ખાનની સરકારને પાડવા જે વિદેશી તાકાત પ્રયાસ કરી રહી છે, તે પાકિસ્તાનની સંપ્રભુતાને પકડારી રહી છે. તેમણે ડેપ્યુટી સ્પીકરને એ નક્કી કરવા કહ્યું કે, શું વિપક્ષ દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત અવિશ્વાસ દરખખાસ્ત છે કે નહીં? કાયદા પ્રધાને પાકિસ્તાનના બંધારણની કલમ 5(1)નો ઉલ્લેખ કર્યો હતો, તેના પર ડેપ્યુટી સ્પીકરે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, ઈમરાન ખાનની સરકાર સામે દાખલ થયેલી અવિશ્વાસ દરખાસ્ત બંધારણ સુસંગત નથી, એટલે તેને ફગાવી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોઈ વિદેશી તાકાતને ચૂંટાયેલી સરકાર હટાવવાને કે ષડયંત્ર કરવાનો અધિકાર ન હોઈ શકે. ડેપ્યુટી સ્પીકરે કહ્યું કે, કાયદા પ્રધાન ફવાદ ચૌધરીએ ઉઠાવેલો મુદ્દે તદ્દન યોગ્ય છે.
12:22 કલાકે ફવાદ ચૌધરીનું ભાષણ પૂરું થતાં જ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ પહેલેથી તૈયાર મુદ્દા વાચવાના શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, ‘વિપક્ષે પાકિસ્તાનના વડાપ્રધાન સામે અવિશ્વાસ દરખાસ્ત 8 માર્ચ, 2022એ રજૂ કરી હતી, અવિશ્વાસ દરખાસ્ત બંધારણ, કાયદા અને નિયમો મુજબ હોવી જરૂરી છે. કોઈ વિદેશી તાકાતને એ હક નથી કે તે ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને પાડે. કાયદા પ્રધાને જે મુદ્દા ઉઠાવ્યા છે, તે યોગ્ય છે. એટલે મારો નિર્ણય છે કે, અવિશ્વાસ દરખાસ્ત બંધારણ, કાયદા અને નિયમો વિરુદ્ધ છે. આ દરખાસ્તને ફગાવું છું અને નેશનલ એસેમ્બલીની કાર્યવાહીને સ્થગિત કરું છું.’ ડેપ્યુટી સ્પીકરે જ્યારે તેમની ખુરશી છોડી ત્યારે ઘડિયાળમાં 12:23 થઈ હતી. આ રીતે માત્ર 5 મિનિટમાં જ સત્તા પક્ષે વિપક્ષને જોરદાર કરંટ આપ્યો અને સપ્તાહોથી ચાલતી અટકળો પર વિરામ લાગી ગયો.
પાકિસ્તાન પર નજર રાખનારા વિશ્લેષકોનું માનવું છે કે, ઈમરાન ખાને સંસદ ભંગ કરવાના પોતાના આ દાવથી પોતાને પીડિત બતાવવાનો પ્રયાસ કર્યો છે. ઈમરાન સરકારના કાયદા પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું કે, વિપક્ષના અવિશ્વાસ દરખાસ્ત પાછળ વિદેશી ષડયંત્ર છે, જેનો નેશનલ એસેમ્બલીના સ્પીકરે પણ સ્વીકાર કરી લીધો. આ રીતે ઈમરાન ખાન સરકારે એ દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે કે તેને હટાવવા માટે વિદેશી ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે અને જનતા તેમનો સાથ આપે. હવે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તો ઈમરાન સરકાર આ મુદ્દાને વોટમાં ફેરવવાનો પ્રયાસ કરશે.
ઈમરાનની ચૂંટણી કરાવવાની ચાલથી વિપક્ષની એકતા પણ તૂટી શકે છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ એ અને પૂર્વ પ્રેસિડન્ટ આસિલ અલી ઝરદારીની પાર્ટી પીપીપી રાજકીય રીતે કટ્ટર વિરોધી રહી છે. બિલાવલ ઘણા મુદ્દા પર ખૂલીને નવાઝ શરીફના દીકરી મરિયમથી અલગ નિવેદન આપી ચૂક્યા છે. ચૂંટણીથી હવે આ બંને વચ્ચે મતભેદ સામે આવી શકે છે. વડાપ્રધાન કોણ બનશે, તેના માટે પણ હવે શાહબાઝ શરીફનો માર્ગ સરળ જણાતો નથી. તે ઉપરાંત પ્રેસિડન્ટ પદને લઈને પણ ખેંચતાણ થઈ શકે છે. કુલ મળીને પાકિસ્તાનના ખિચડી ગઠબંધનમાં ફાચર પડી શકે છે.
પાકિસ્તાનમાં ચાલી રહેલા આ ખેલમાં નવાઝ શરીફની પાર્ટીને મોટો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. ઈમરાન ખાનની પાર્ટી પછી નવાઝ શરીની પાર્ટી બીજા નંબરે છે. જો ચૂંટણી થાય છે તો નવાઝની પાર્ટી પીએમએલ એન વધુ સારું પ્રદર્શન કરશે તેવી શક્યતા છે. એટલું જ નહીં, નવાઝ શરીફના હાથમાં ફરી એકવખત પાકિસ્તાનના સૌથી શક્તિશાળી પ્રાંત પંજાબની સત્તા આવી શકે છે. પાકિસ્તાનમાં વડાપ્રધાન પદની દોડમાં સૌથી આગળ ચાલી રહેલા શાહબાઝ શરીફ પંજાબમાં ઘણી વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, પીએમએલ એન ટૂંક સમયમાં ચૂંટણી કરાવવા નિર્ણયનો વધારે વિરોધ નહીં કરે. જો, વિધાનસભાઓમાં પણ ચૂંટણી થાય છે, તો બિલાવલને ઝટકો લાગી શકે છે, કેમકે સિંધમાં તેમની પાર્ટીની સરકાર છે.
રાજકીય તજજ્ઞોનું કહેવું છે કે, સ્પીકરે સંસદમાં અવિશ્વાસ દરખાસ્તને ફગાવી દીધી છે, જેને હવે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સંસદને પોતાના ઘણા નિર્ણયમાં કાયદાકીય છૂટ મળેલી છે અને સુપ્રીમ કોર્ટ તેના નિર્ણય પર સુનાવણી નથી કરી શકતી. આ સમગ્ર મામલો હવે લાંબી કાયદાકીય લડાઈમાં ફસાવવાની શક્યતા છે અને એ જ કારણ છે કે, વિપક્ષો હજુ પણ સંસદની અંદર મક્કમ છે અને સુપ્રીમ કોર્ટ તથા સેના તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.