નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાને દેશમાં ઊર્જાની બચત કરવા માટેની એક યોજના જારી કરી છે. આ પ્લાન મુજબ સમગ્ર પાકિસ્તાનમાં બજારો અને રેસ્ટોરન્ટોએ તેમના શટર રાત્રે 8 વાગ્યા સુધીમાં પાડી દેવા પડશે, જ્યારે લગ્ન હોલ રાત્રે 10 વાગ્યા સુધી મર્યાદિત રહેશે
પાકિસ્તાન તીવ્ર ઉર્જા કટોકટી, ઉંચો ફુગાવો અને ઘટતા રેમિટન્સની જેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને જૂનમાં વિનાશક પૂરના કારણે દેશની ઉર્જા સમસ્યાઓમાં વધારો થયો છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફએ રાષ્ટ્રીય ઉર્જા-સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યા છે. આસિફે કહ્યું કે ફેડરલ સરકાર આ રાષ્ટ્રવ્યાપી યોજનાના અમલીકરણ માટે પ્રાંતોનો સંપર્ક કરશે.
કેબિનેટની બેઠક બાદ મીડિયાને સંબોધતા પ્રધાને કહ્યું કે ગુરુવાર સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આગામી થોડા દિવસોમાં, અમે આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ સાથે તમામ પ્રાંતોનો સંપર્ક કરીશું અને ત્યારબાદ ગુરુવારે સંરક્ષણ નીતિને અંતિમ મંજૂરી આપવામાં આવશે. આ યોજના હેઠળ લગ્ન હોલનો સમય રાત્રે 10 વાગ્યા સુધી મર્યાદિત રહેશે, જ્યારે રેસ્ટોરાં, હોટલ અને બજારો રાત્રે 8 વાગ્યા સુધી બંધ થઈ જશે.
જો કે, તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટ્સ માટે બંધ થવાનો સમય એક કલાક લંબાવવાનો થોડો અવકાશ છે. આસિફે જણાવ્યું હતું કે જો 20 ટકા સરકારી કર્મચારીઓ ઘરેથી રોટેશન પ્રમાણે કામ કરે તો ₹56 બિલિયનની બચત થઈ શકે છે અને બીજા થોડા પગલાઓ સાથે દેશ ₹62 બિલિયનની બચત કરી શકશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ₹38 બિલિયનની બચત કરવામાં મદદ કરવા માટે ઊર્જા-કાર્યક્ષમ પંખા અને બલ્બ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે તથા પેટ્રોલનો વપરાશ ઘટાડવા માટે પરંપરાગત મોટરસાઇકલની જગ્યાએ ઇલેક્ટ્રિક બાઇક્સ આવશે.