પાકિસ્તાનના લશ્કરમાં ફરજ બજાવતાં બે હિન્દુ અધિકારીઓને બઢતી આપીને પહેલીવાર લેફ્ટનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં આવા નિર્ણયથી સોશિયલ મીડિયામાં ચર્ચાને વેગ મળ્યો હતો.
સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આર્મી પ્રમોશન બોર્ડ દ્વારા મેજર ડો.કૈલાશ કુમાર અને મેજર ડો. અનીલ કુમારને બઢતી આપીને લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો છે. કૈલાસ કુમાર સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાંથી આવે છે. હિન્દુ સમુદાયમાંથી મેજર બનવાનું સન્માન પણ તેમને સૌપ્રથમ મળ્યું હતું તેમ
કૈલાસ કુમારનો જન્મ 1981માં થયો હતો. જામસોરોમાં આવેલી લિયાકત યુનિવર્સિટી ઓફ મેડિકલ હેલ્થ એન્ડ સાયન્સીઝમાં તેમણે એમબીબીએસ પુરૂ કર્યું છે. તેઓ 2008માં કેપ્ટન તરીકે પાકિસ્તાનના લશ્કરમાં જોડાયા હતા.
ડો. અનીલ કુમાર તેમનાથી એક વર્ષ વયમાં નાના છે અને તેઓ પણ સિંધ પ્રાંતમાં આવેલા બદિનના વતની છે. અનીલ કુમાર 2007માં પાકિસ્તાનના લશ્કરમાં જોડાયા હતા. ગુરૂવારે સરકારી પાકિસ્તાન ટેલિવિઝન દ્વારા ટ્વિટ કરી જણાવવામાં આવ્યું હતું કે કૈલાસ કુમાર બઢતી મેળવીને પાકિસ્તાની લશ્કરમાં પ્રથમ હિન્દુ લેફ્ટનન્ટ કર્ર્નલ બન્યા છે.
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના અધિકારો માટે ઝૂંબેશ ચલાવનારા કપિલદેવે આ સમાચાર અંગે પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે કૈલાસકુમારને અભિનંદન. પાકિસ્તાનમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે બઢતી મેળવી નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે. બીજા દિવસે શુક્રવારે અનીલ કુમારની બઢતીના સમાચાર તેમણે ટ્વિટર પણ જણાવ્યા હતા. અનીલ કુમારને લેફ્ટનન્ટ કર્નલ તરીકે બઢતી મેળવવા બદલ અભિનંદન.