સાઉદી અરેબિયા નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આશરે 8 બિલિયન ડોલરની સહાય આપવા માટે સંમત થયું છે. પાકિસ્તાનની ઘટતા જતાં વિદેશી હૂંડિયામણ અને માંદા અર્થતંત્રને બેઠા કરવા માટે આ આ ફાઇનાન્શિયલ પેકેજ નક્કી થયું છે.
પાકિસ્તાન હાલમાં ઊંચો ફુગાવો, ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો, ચાલુ ખાતાની ખાધમાં વધારો અને ચલણમાં ધોવાણ જેવી અનેક આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન આ પેકેજ નક્કી થયું છે, જેમાં ક્રૂડ ઓઇલ ફાઇનાન્સિંગ ફેસિલિટીને બમણી કરવાનો તથા ડિપોઝિટ મારફત વધારાના નાણા અને 4.3 અબજ ડોલરની હાલની ફેસિલિટીને લંબાવવાનો સમાવેશ થાય છે. જોકે આ પેકેજની ટેકનિકલ બાબતો અંગે નક્કી થઈ નથી અને દસ્તાવેજો તૈયાર થતાં બે સપ્તાહ લાગશે. શાહબાઝ શરીફ સાઉદી અરેબિયામાંથી નીકળી ગયા છે, પરંતુ નાણાપ્રધાન મિફ્તાહ ઇસ્માઇલ ફાઇનાન્શિયલ પેકેજને આખરી ઓપ આપવા માટે સાઉદી અરેબિયામાં છે.