પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સોમવારે સવારે બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં 30 મુસાફરોના મોત થયા હતા અને 74 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા, એમ બચાવદળના સભ્યો અને હોસ્પિટલ સત્તાવાળાએ જણાવ્યું હતું. ઘાયલો પૈકીના કેટલાંકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મુઝફ્ફરગઢના ડેરા ગાજી ખાન પાસે તનુસા રોડ પર આ અકસ્માત થયો હતો અને મૃત્યુંઆંક હજુ ઉંચો જશે તેવી આશંકા છે.
આ દુર્ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના જણાવ્યા મુજબ 18 લોકો હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.
બસ પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને અકસ્માત સમયે તેમાં 75 મુસાફરો સવાર હતા. બસમાં સવાર મોટા ભાગના મુસાફરો મજૂરો હતા અને ઈદના તહેવારની રજા માણવા ઘરે જઈ રહ્યા હતા. અકસ્માતનો ભોગ બની તે બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. ગયા મહિને સિંઘ પ્રાંતમાં ટ્રેન અકસ્માતમાં 56 લોકોના મોત થયા હતા.