ભારત સરકારે 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ જાહેરાત પ્રમાણે રવિના ટંડન એક માત્ર એવી અભિનેત્રી છે જેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. રવિના ટંડનનું નામ ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારના 106 પ્રાપ્તકર્તાઓમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, રવિના ટંડનને ફિલ્મોમાં તેમના વિશેષ યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવશે. તેણે આ એવોર્ડ તેના સ્વર્ગસ્થ પિતા રવિ ટંડનને સમર્પિત કર્યો છે. તેણે કહ્યું હતું કે, ‘આ એવોર્ડ મેળવવા માટે હું ખૂબ જ સન્માનિત અને આભારી છું. ખરેખર દરેક લોકોનો આભાર માનું છું. તેમના પ્રેમને કારણે જ હું આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી છું. તેમણે મને તક આપી છે. એક તક… મારા માટે પુરસ્કારોનું વર્ષ રહ્યું છે, પરંતુ મને ખરેખર આની અપેક્ષા નહોતી. મને ખબર નથી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. હું એ બધા લોકોનો આભાર માનું છું જેમણે મને સિનેમાની આર્ટ અને ક્રાફ્ટની આ સફરમાં માર્ગદર્શન આપ્યું છે – તે બધાનો જેમણે મને આ બધામાં સાથ આપ્યો છે. હું આનો શ્રેય મારા પિતા- રવિ ટંડનને આપું છું.’
ઉલ્લેખનીય છે કે, રવિના ટંડને 1991માં 17 વર્ષની ઉંમરે ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. રવિના ટંડન છેલ્લે દક્ષિણ ભારતીય બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’માં કામ કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.