ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સહિત ગુજરાતના 12 મહાનુભાવોને સોમવારે પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલને જાહેર જીવન ક્ષેત્ર માટે મરણોપરાંત અને બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચર માટે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતી ફિલ્મોના અભિનેતા મહેશ-નરેશ કનોડિયાની જોડીને કલા માટે તથા શાહબુદ્દિન રાઠોડ, કવિ દાદ સહિતના 10 મહાનુભાવોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં. કેશુભાઈ પટેલ વતી તેમના પુત્ર ભરતભાઈ પટેલે એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ ઉપરાંત દાદુદાન ગઢવી, ચંદ્રકાન્ત મહેતા અને એચ.એલ. દેસાઈને સાહિત્યમાં યોગદાન બદલ પદ્મશ્રી, ગફુરભાઈ બિલકીયાને ઉદ્યોગજગતમાં યોગદાન બદલ,સુધીર જૈનને વિજ્ઞાન ક્ષેત્રમાં યોગદાન, યઝદી નૌશીરવાન કરંજિયાને કલા માટે અને નારાયણ જોશીને સાહિત્ય માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વર્ષ 2020 માટે નાગરિક સમ્માન પદ્મ પુરસ્કાર માટે નામની જાહેરાત પ્રજાસત્તાક દિવસે જ થઈ ગઈ હતી. જ્યારે સોમવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તમામ વિજેતાઓને સમ્માનિત કરવામાં આવ્યા છે.આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર ખાસ હાજર રહ્યા હતા. આ વર્ષે અલગ-અલગ ક્ષેત્રોના અનેક મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ વર્ષે દેશની 119 હસ્તિઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જે પૈકી 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 102 પદ્મ શ્રી છે.