રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષનો એક સંયુક્ત ઉમેદવાર ઊભો રાખવા વિરોધ પક્ષો સંમત થયા છે. વિપક્ષનો સંયુક્ત ઉમેદવાર ઊભો રાખવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ બોલાવેલી બેઠકમાં 17 વિરોધપક્ષોના નેતાઓ હાજરી આપી હતી અને તેમાં સંયુક્ત ઉમેદવાર માટે સર્વસંમતી સધાઈ હતી.
આ બેઠક બાદ મમતા બેનરજીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમે માત્ર એક જ સર્વસંમત ઉમેદવાર પસંદનો નિર્ણય કર્યો છે. આ ઉમેદવારને દરેક પોતાનો સપોર્ટ આપશે. અમે બીજા પક્ષો સાથે વિચારવિમર્શ કરીશું. આ એક સારી શરૂઆત છે. અમે ઘણા મહિના પછી એકસાથે બેઠા છીએ અને ફરી મળીશું. સુધિન્દ્ર કુલકર્ણીએ જણાવ્યું હતું કે વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર મેદાનમાં ઉતારવા માટે ઠરાવ પસાર કર્યો છે.
આ બેઠકમાં કેટલાંક નેતાઓએ એનસીપીના સુપ્રીમો શરદ પવારને રાષ્ટ્રપતિના ચૂંટણી માટે વિપક્ષનો સંયુક્ત ઉમેદવાર બનવાની વિનંતી કરી હતી, જેનો પવાર ફરી ઇનકાર કર્યો હતો.
આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, એનસીપી, શિવસેના, નેશનલ કોન્ફરન્સ, પીડીપી, જેડીએસ, ડીએમકે, આરજેડી અને ડાબેરી પક્ષોએ હાજરી આપી હતી, જોકે આપ, શિરોમણી અકાલી દળ, AIMIM, ટીઆરએસ અને ઓડિશાની સત્તાવારી પાર્ટી બીજેડીએ હાજરી આપી ન હતી.
વિપક્ષી નેતાઓની આ બેઠક બાદ ડીએમકેના નેતા ટી આર બાલુએ જણાવ્યું હતું કે તમામ પાર્ટીના નેતાઓએ શરદ પવારને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા વિનંતી કરી હતી, પરંતુ તેમને ઓફર ઠુકરાવી દીધી હતી. કેટલાંક નેતાઓએ કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે, શરદ પવાર અને મમતા બેનરજીને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માટે સર્વસંમતી સાધવા મંત્રણા કરવાની વિનંતી કરી હતી. જોકે આરજેડીના નેતા મનોજ ઝાએ જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓ આ ઓફરની પુનઃવિચારણા કરવા પવારને સમજાવશે, કારણ કે તેઓ યોગ્ય ઉમેદવાર છે.
સીપીઆઇના બિનોય વિસ્વામે જણાવ્યું હતું કે આ બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી કે માત્ર એક જ ઉમેદવાર હોવો જોઇએ, જે તમામને સ્વીકાર્ય હોય. આ બેઠકમાં એકમાત્ર શરદ પવારના નામની ચર્ચા થઈ હતી.
જોકે આરએસપીના એન કે પ્રેમચંદ્રને જણાવ્યું હતું કે બેનર્જીએ પછીથી વિપક્ષના સંભવિત ઉમેદવારો તરીકે ફારુખ અબ્દુલ્લા અને ગોપાલક્રિષ્ન ગાંધીના નામોનું સૂચન કર્યું હતું. વિપક્ષની આ બેઠકમાં એનસીપીના શરદ પવાર અને પ્રફુલ પટેલ, કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડકે, જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલા, જેડી (એસ)ના એચ ડી દેવેગૌડા અને એચડી કુમાર, સપાના અખિલેશ યાદવ, પીડીપીના મહેમૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના ઓમાર અબ્દુલ્લાએ હાજરી આપી હતી.
ગયા સપ્તાહે મમતા બેનરજીએ આ બેઠક માટે 19 રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું હતું. આજની બેઠક પહેલા બેનરજી અને ડાબેરી નેતાઓ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બનવા માટે શરદ પવારને સમજાવા તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો બુધવારથી પ્રારંભ થયો છે. દેશના સર્વોચ્ચ હોદ્દાની ચૂંટણી 18 જુલાઈ યોજાશે. ઉમેદવારી પત્રો 29 જૂન સુધી ભરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 30 જૂને થશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 2 જુલાઈ છે. ચૂંટણી માટે મતગણતરી 21 જુલાઈ થશે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ પૂરો થાય છે.
વિપક્ષની આગામી બેઠક 20-21મીએ યોજાશે
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સર્વસંમત ઉમેદવાર પસંદ કરવા વિપક્ષની આગામી બેઠક 20-21 જુને યોજાય તેવી શક્યતા છે. શરદ પવાર મુંબઈમાં આ બેઠક બોલાવી શકે છે. આજની બેઠકમાં વિપક્ષો સંયુક્ત ઉમેદવાર માટે સંમત થયા છે અને આગામી બેઠકમાં વિપક્ષે તેમના ઉમેદવારનું નામ નક્કી કરે તેવી શક્યતા છે.