વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ, ભારતની પી.વી. સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ બેડમિટનની સેમિફાઇનલમાં પરાજય થયો છે. વિશ્વની ૧૧મી ક્રમાંકિત, થાઈલેન્ડની ચોચુવોંગે સિંધુને ૨૧-૧૭, ૨૧-૯થી હરાવી હતી. ૪૩ મિનિટના મુકાબલામાં ચોચુવોંગેની આક્રમત રમત, પાવર અને પ્લેસમેન્ટ સામે સિંધુ ઝાંખી પડી ગઈ હતી. સિંધુએ પણ પરાજ્ય બાદ કબૂલ્યું હતું કે ”આજે ચોચુવોંગનો દિવસ હતો. તેના બધાં જ શોટ લાઇનમાં રહ્યા હતા. મારા પરાજ્ય માટે અનફોર્સ્ડ એરર્સ પણ એટલા જ જવાબદાર હતા.” ક્વાર્ટર ફાઈનલમાં સિંધુએ યામાગુચીને ૧૬-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૯થી હરાવી હતી.
તે સિવાય ભારતના લક્ષ્ય સેનનો ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડના માર્ક કાલજોઉ સામે પરાજય થતાં તેના અભિયાનનો અંત આવ્યો હતો. સાયના ઇજાગ્રસ્ત થઈ બહાર છે ત્યારે ૧૯ વર્ષનો લક્ષ્ય સેન ભારતનો ખૂબ જ આશાસ્પદ બેડમિંટન સ્ટાર છે. તેણે નેધરલેન્ડના હરીફને ૫૫ મિનિટ સુધી ત્રણ સેટના મુકાબલામાં જોરદાર લડત આપી હતી પણ અંતે ૧૭-૨૧, ૨૧-૧૬, ૧૭-૨૧થી તેનો પરાજય થયો હતો. એ અગાઉ ભારતની મહિલા ડબલ્સની જોડી અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. તેઓનો સીધા સેટમાં નેધરલેન્ડની જોડી સેલેના પીઈક અને ચેરીલ સેઈનન સામે ૨૨-૨૪, ૧૨-૨૧,થી પરાજય થયો હતો. આ એક અપસેટ હાર હતી કેમ કે ભારતની જોડી વર્લ્ડ નંબર ત્રણ છે. જ્યારે નેધરલેન્ડની વિજેતા જોડી વર્લ્ડ નંબર ૩૯નો રેન્ક ધરાવે છે. તો મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને મેઘના ડેન્માર્કની જોડી સામે હાર્યા હતા.