અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીઃ પ્રમુખ સ્વામીના દરેક કાર્યએ મને અભિભૂત કર્યા છે. રિયલ્ટી ક્ષેત્રમાં અદાણી દેશભરમાં આગવા સ્થાને છે, પણ પ્રમુખ સ્વામીના કામની તોલે તે ના આવી શકે. અહીં સ્વયંસેવકોનું જે સમર્પણ છે એ અકલ્પનીય છે. મોટાં ઔદ્યોગિક ગૃહ પણ સ્વામિનારાયણ નગરમાંથી શીખ લઈ શકે છે. અબુધાબીનું BAPS મંદિર બતાવે છે કે માનવતાનાં મૂલ્યો દેશની સરહદ સુધી સીમિત નથી.
ઝાયડસ કેડિલા ગ્રુપના પંકજ પટેલઃ કે BAPS એક એવી સંસ્થા છે, જે માનવતાને નાતે સૌકોઈનો વિચાર કરે છે અને તેનાં કાર્યો પણ સૌના ઉત્કર્ષ માટે હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે સેવાને જ પોતાનો ધર્મ માની લાખો-કરોડો લોકોને સહાયતા કરી છે.
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીઃ આ સભા જ્યાં યોજાઈ રહી છે એ પણ એક ધામ છે અને અહીં પ્રમુખ સ્વામી મહારાજની હાજરી છે. માટે મારા માટે તો આ નગર જ ચારધામ છે. સ્વામિનારાયણનાં મંદિરો માત્ર મંદિર નથી હોતાં, પરંતુ માનવ ઉત્કર્ષનાં મંદિર છે, જ્યાં ઇશ્વર છે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ છે.
ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાઃ પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન આધ્યાત્મિક્તા અને માનવતા માટે હતું. તેઓ સાચા અર્થમાં સમાજના ગુરુ હતા. તેમણે જ અમને વસુધૈવ કુટુમ્બકમનું સૂત્ર આપ્યું હતું. તેમની જન્મશતાબ્દીની ઉજવણીમાં સામેલ થવાની તક મળી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માની રહ્યો છું.
GMR ગ્રુપના ચેરમેન જી. એમ. રાવઃ હું આજે પણ પૂ. પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અનુભવી શકું છું. તેઓ એકદમ નિર્મળ અને નિરાળું વ્યક્તિત્વ ધરાવતા હતા. “બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ’નું તેમનું સૂત્ર હૃદયસ્પર્શી છે. તેઓ સનાતન હિન્દુ ધર્મના સાચા પ્રસારક છે.
કલ્યાણ જ્વેલર્સના ચેરમેન ટી. એસ. કલ્યાણ રામન: હું ખૂબ ભાગ્યશાળી છું કે આ પ્રસંગના સાક્ષી બની શક્યા. આ માટે તેમણે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજનો આભાર પણ માન્યો. તેમણે કહ્યું હતં કે 100 વર્ષ પહેલાં શરૂ થયેલી BAPS સંસ્થાના વટવૃક્ષનાં પાંદડાં દુનિયાના અનેક ખંડોમાં પહોંચ્યાં છે તેમજ સમાજસેવાનું અદભુત કાર્ય ચાલે છે.