ન્યુયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં મહિલા યાત્રી પર પેશાબની ચકચારી ઘટનાના કેસમાં ભારતની એવિયેશન રેગ્યુલટરે એર ઇન્ડિયાને રૂ.30 લાખની પેનલ્ટી ફટકારી છે અને ઇન-ચાર્જ પાઇલટના લાઇસન્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું છે. ગયા વર્ષના 26 નવેમ્બરે શંકર મિશ્રા નામના વ્યક્તિએ ન્યૂયોર્ક દિલ્હી ફ્લાઇટમાં સહ-યાત્રી મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) જણાવ્યું હતું કે પોતાની ફરજો નિભાવવામાં ચુક બદલ ડાયરેક્ટર ઇન-ચાર્જ ફ્લાઇટ સર્વિસ પર રૂ.3 લાખની પેનલ્ટી લાદવામાં આવી છે. આ ઘટનામાં એરલાઇન્સે પેસેન્જર શંકર મિશ્રા પર ચાર મહિનાનો ફ્લાઇંગ પ્રતિબંધ લાદ્યો હતો. આ પ્રતિબંધ તેના પર અગાઉ લાદવામાં આવેલા 30 દિવસના પ્રતિબંધ ઉપરાંત હતો.
આ ઘટના 4 જાન્યુઆરીએ જ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના ધ્યાન પર આવી હતી અને આ કાર્યવાહી વિવિધ ધોરણોના ઉલ્લંઘન માટે છે. 6 જાન્યુઆરીના રોજ, DGCAએ એર ઈન્ડિયાના એકાઉન્ટેબલ મેનેજર, એર ઈન્ડિયાના ઈન-ફ્લાઇટ સર્વિસીસના ડાયરેક્ટર અને તે ફ્લાઈટના તમામ પાઈલટ અને કેબિન ક્રૂ સભ્યોને કારણદર્શક નોટિસ પાઠવી હતી. તેમને જવાબ રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમે અમારા રિપોર્ટિંગમાં ક્ષતિઓને સ્વીકારીએ છીએ અને તે સંબંધિત પગલાં લઈ રહ્યા છીએ.