ભારત સ્થિત હોસ્પિટાલિટી સ્ટાર્ટ-અપ ઓયો હોટેલ્સે પ્રારંભિક પબ્લિક ઇશ્યૂ (આઇપીઓ) માટે ફરીથી ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ સુપરત કર્યા છે. આ હોટેલ બુકિંગ કંપનીએ 2023ના પ્રારંભમાં પબ્લિક ઇશ્યૂ કરવાની યોજના બનાવી છે. કંપનીએ અગાઉ 2021માં આઇપીઓનો ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા હતા, પરંતુ કોરોના મહામારીને કારણે મોમેન્ટમના અભાવ અને નોકરીઓ છટણીને કારણે તેની આ યોજના અભેરાઇએ ચડાવી દીધી હતી.
આઇપીઓના ડોક્યુમેન્ટમાં જણાવાયું છે કે વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીની ખોટમાં ઘટાડો થયો છે અને વેચાણમાં પણ ફરી વધારો થઈ રહ્યો છે.ઓયો હોટેલ્સ વૈશ્વિક વ્યાપ ધરાવે છે, પરંતુ તેના મુખ્ય ગ્રોથ માર્કેટમાં ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા અને યુરોપનો સમાવેશ થાય છે.
હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ કન્સલ્ટન્સી હોટેલિવેટના સહ-સ્થાપક અને ચેરમેન માનવ થડાનીએ જણાવ્યું હતું કે કોરોના સંબંધિત શ્રેણીબદ્ધ પડકારો વચ્ચે ટર્નએરાઉન્ડ આટલું ઝડપી અને મજબૂત હશે તેવી કોઇને પણ ધારણા ન હતી. ચીન અને અમેરિકામાં વિસ્તરણની યોજના પડતી મૂકી છે અને પોતાના વિશેષ માર્કેટ પર ટાર્ગેટ કરી છે તે બાબત સારી છે. તેઓ પર્ફોમન્સ પર ફોકસ કરી રહ્યાં છે.